મુંબઈમાં ચોમાસું બેઠું છે કે નહીં?

મુંબઈમાં ચોમાસું બેઠું છે કે નહીં?
હવામાન ખાતું ના પાડે છે, પણ સ્વતંત્ર હવામાનશાસ્ત્રી કહે છે વાયુ વાવાઝોડું બહુ દૂર છે અને એ કારણે વરસાદ મુંબઈમાં પડી શકે નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મુંબઈમાં રવિવારે છૂટોછવાયો વરસાદ પડયો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. જોકે, મુંબઈમાં ચોમાસું બેઠું છે કે કેમ તે અંગે હજી હવામાન ખાતું અવઢવમાં હોય એવું લાગે છે.
હવામાન ખાતું મંગળવાર (આવતી કાલે)એ નૈઋઍત્યનું ચોમાસું કોંકણ અને ગોવામાં બેસી ગયું હોવાની જાહેરાત કરે એવી શક્યતા છે.
મુંબઈ હવામાન ખાતાના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે વાવાઝોડું પોરબંદર પાસે દરિયામાં સ્થિર છે અને આ વાયુના પ્રતાપે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડાને કારણે મુંબઈમાં ચોમાસું ઠેલાયું છે અને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ ચોમાસા પહેલાંનો વરસાદ છે. આવતા 72 કલાકમાં ચોમાસું ઝડપથી આગળ વધે એવી શક્યતા છે અને એ મહારાષ્ટ્રમાં પણ બેસી જશે.
જોકે, હવામાન ખાતાની આગાહી વિશે ચર્ચાએ પણ જોર પકડયું છે. હવામાનના એક નિષ્ણાતનું કહેવું છે કે અત્યારના વાતાવરણ પ્રમાણે નૈઋઍત્યનું ચોમાસું બેસી ગયું હોવાનો નિર્દેશ કરે છે. અત્યારે વાયુ વાવાઝોડું મુંબઈથી 600 કિલોમીટરથી પણ વધુ દૂર છે. એ આટલું દૂર હોવાથી એને કારણે મુંબઈમાં અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વરસાદ પડી શકે નહીં. આ વાવાઝોડાને કારણે ચોમાસું મહારાષ્ટ્રમાં જલદી આવે એમાં મદદ થઈ છે. મુંબઈમાંના ડોપલર રડારો પણ એવો નિર્દેશ કરે છે કે જે પવન ફૂંકાઈ રહ્યો છે એ નૈઋઍત્ય દિશા તરફથી આવી રહ્યો છે. વરસાદની પેટર્ન પણ ચોમાસાના આગમનની ચાડી ખાય છે.
આ હવામાન નિષ્ણાતે કહ્યું હતું કે જૂન 2014માં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. એ વખતે પણ વાવાઝોડું અરબી સમુદ્રમાં હતું. અત્યારે હવામાનની જે સ્થિતિ છે એવી આબેહુબ સ્થિતિ ત્યારે હતી. એ વખતે 15 જૂનના ચોમાસાના આગમનની જાહેરાત કરી દેવામાં આવી હતી. એટલે અત્યારે ચોમાસાના આગમનની જાહેરાત શું કામ નથી કરાતી એ વિશે પ્રશ્ન ઉદ્ભવે છે.
 

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer