વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોને સેમિ-એસી બનાવવાની યોજના

વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોને સેમિ-એસી બનાવવાની યોજના
બાર ડબાની ટ્રેનોમાં ત્રણ કોચ જ્યારે પંદર ડબાની ટ્રેનમાં 6 કોચ એસી હશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મુંબઈમાં લોકલ ટ્રેનનો પ્રવાસ ઠંડોગાર બને એવી શક્યતા છે. આનું કારણ એ છે કે રેલવે મંત્રાલય અને વેસ્ટર્ન રેલવે 2018ની જૂની એક યોજના ફરી પુનર્જીવિત કરવા માગે છે. આ યોજના જો લાગુ કરવામાં આવશે તો અત્યારની લોકલ ટ્રેનોમાં અમુક ડબા ઍરકંડિશન્ડ હશે.
ગયા અઠવાડિયે આ યોજના વિશે વેસ્ટર્ન રેલવેના હેડ ક્વાર્ટરમાં રેલવે બોર્ડના મેમ્બર ગિરીશ પિલ્લઈ જોડે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ ચર્ચા કરી હતી.
આ યોજના પ્રમાણે બાર ડબાની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ત્રણ ડબા એસી હશે જ્યારે બાકીના નવ ડબા એસી વગરના હશે. જ્યારે 15 ડબાની ટ્રેનમાં છ ડબા એસી હશે જ્યારે નવ ડબા નોન-એસી હશે.
વેસ્ટર્ન રેલવેના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે લોકલ ટ્રેનોમાં એસી ડબાઓ સામેલ કરવા વિશે અત્યારે અભ્યાસ ચાલુ છે. એસી ડબા જોડાશે એ બાદ કેટલા પ્રવાસીઓ એમાં સફર કરશે એનો અંદાજ બાંધવાનું અમને જણાવાયું છે. એ ઉપરાંત વધારાની લોકલ દોડાવવાની જરૂર પડશે કે કેમ એનો પણ અભ્યાસ ચાલી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પ્રવાસીઓએ રેલવેને એસી લોકલ ચાલુ કરવાને બદલે લોકલ ટ્રેનોમાં એસી ડબાની વ્યવસ્થા કરવાની ભલામણ કરી હતી.
લોકલ ટ્રેનોમાં અમુક ડબા એસી કરવાનું સૂચન 2018માં રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કર્યું હતું. તે વખતે 
પીયૂષ ગોયલે કહ્યું હતું કે 70 લોકલ ટ્રેનોને સેમિ-એસી ટ્રેન બનાવવામાં આવશે. જોકે, સેમિ-એસી ટ્રેનોની ડિઝાઇનને રિસર્ચ ડિઝાઇન સ્ટાન્ડર્ડ અૉર્ગેનાઇઝેશને મંજૂરી આપી 
નહોતી અને પીયૂષ ગોયલે કહ્યું હતું કે સેમિ-એસી ટ્રેનો ચાલુ કરવામાં કદાચ લોજિસ્ટિકલ પ્રોબ્લેમ આવી 
રહ્યો હશે.
 

Published on: Mon, 17 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer