ફડણવીસે છ પ્રધાનોનાં રાજીનામાં લઈ લીધાં : તેર નવા પ્રધાનોમાં યોગેશ સાગરને સ્થાન મળ્યું

ફડણવીસે છ પ્રધાનોનાં રાજીનામાં લઈ લીધાં : તેર નવા પ્રધાનોમાં યોગેશ સાગરને સ્થાન મળ્યું
રાધાકૃષ્ણ વિખે-પાટીલ, આશિષ શેલારનો પ્રધાનમંડળમાં સમાવેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં રવિવારે કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ, ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલાર અને ભાજપના ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગર સહિત તેર આગેવાનોનો સમાવેશ કરાયો છે. તેમાં કૅબિનેટ કક્ષાના આઠ અને રાજ્ય કક્ષાના પાંચ પ્રધાનોનો સમાવેશ કરાયો છે. લાંબો સમય રાહ જોવડાવ્યા પછી મુખ્ય પ્રધાન ફડણવીસે આજે પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે.
રાજ્યપાલ વિદ્યાસાગર રાવે આજે રાજ ભવનમાં યોજાયેલા સમારોહમાં વિધાનસભાના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ, રાષ્ટ્રવાદી છોડીને શિવસેનામાં જોડાયેલા જયદત્ત ક્ષીરસાગર અને ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલાર, ભાજપના ડૉ. સંજય કુટે, સુરેશ ખાડે, ડૉ. અનિલ બોંડે અને ડૉ. અશોક ઉઇકેએ કૅબિનેટ પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. શિવસેનાના તાનાજી સાવંતને પણ કૅબિનેટ પ્રધાન બનાવાયા છે.
ચારકોપમાંથી વિધાનસભામાં બે વખત ચૂંટાયેલા યોગેશ સાગર, સંજય ઉર્ફે બાળા ભેંગડે, પરિણય ફૂંકે, અતુલ સાવે (બધા ભાજપ) અને આરપીઆઈના (આઠવલે)ના અવિનાશ મહાતેકરને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા, સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રાજકુમાર બડોલે અને આદિવાસી કલ્યાણપ્રધાન વિષ્ણુ સાવરાએ રાજીનામાં આપ્યાં છે. રાજ્ય કક્ષાના પ્રધાનો દિલીપ કાંબળે, અમરીશ અત્રામ અને પ્રવીણ પોટે સહિત છ પ્રધાનોએ આજે પ્રધાનપદેથી રાજીનામાં આપ્યાં છે. મુખ્ય પ્રધાન ફડણવીસે રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. રાજીનામાં આપનારા બધા પ્રધાનો ભાજપના છે.
આજે શપથ લેનારા પ્રધાનોમાં રાધાકૃષ્ણ વિખે-પાટીલ, જયદત્ત ક્ષીરસાગર, અવિનાશ મહાતેકર રાજ્યના એકપણ ગૃહના સભ્ય નથી. બંધારણીય જોગવાઈ અનુસાર વિધાનગૃહોનું સભ્યપદ ન હોય તો પણ છ માસ સુધી પ્રધાનપદે રહી શકાય છે. આગામી સપ્ટેમ્બર અથવા અૉક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેથી તેઓ ત્યાં સુધી પ્રધાનપદે રહી શકશે.
 

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer