અયોધ્યામાં રામ મંદિર બનશે જ : ઉદ્વવ

અયોધ્યામાં રામ મંદિર બનશે જ : ઉદ્વવ
શિવસેના પ્રમુખે કહ્યું, મોદી સરકાર રામ મંદિરનું નિર્માણ કરાવે તેવો ભરોસો
અયોધ્યા, તા. 16 : શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પુત્ર આદિત્ય ઠાકરે અને 20 સાંસદો સાથે રવિવારે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. દર્શન બાદ ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કાયદો લાવીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવે. વધુમાં ઉદ્વવ ઠાકરેએ મોદી સરકાર ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓને પૂરતો ભરોસો છે કે કેન્દ્ર સરકાર રામ મંદિરનું નિર્માણ કરાવશે. 
અયોધ્યામાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં અયોધ્યા વિવાદ કોર્ટમાં છે. કેન્દ્રમાં મજબૂત સરકાર પણ છે અને શિવસેના સરકારની સાથે છે. મોદીજી પાસે નિર્ણય લેવાની ક્ષમતા છે. જો સરકાર રામ મંદિર બનાવવાનો નિર્ણય કરશે તો પછી તેને કોઈ રોકી શકશે નહી. કહેવાઇ રહ્યું છે કે ઉદ્વવ ઠાકરેએ શ્રીરામના દર્શન કરતા સાંસદો સાથે હાથ જોડીને પ્રાર્થના કરી હતી અને બને તેટલી ઝડપથી મંદિરનું નિર્માણ થાય તે માટે ભગવાન શક્તિ આપે અને નવા મંદિરમાં તેઓ દર્શન કરી શકે. ઉદ્વવના કહેવા પ્રમાણે તેઓ માટે રામમંદિર ચૂંટણીલક્ષી મુદ્દો નથી. અયોધ્યા એવી જગ્યા છે જ્યાં વારંવાર આવવાની ઈચ્છા થાય છે. ઉદ્ધવ ઠાકરેએ પરિણામ બાદ સાંસદો સાથે રામલલાના દર્શન માટે જવાનું એલાન કર્યું હતું. જેના અનુક્રમે નવા ચૂંટાયેલા સાંસદો સાથે અયોધ્યા દર્શન કર્યા હતા અને હવે સોમવારથી સંસદમાં નવા સત્રની શરૂઆત કરશે.
 

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer