ભારતના રન વરસાદમાં પાકિસ્તાન તણાયું

ભારતના રન વરસાદમાં પાકિસ્તાન તણાયું
ટીમ ઇન્ડિયાએ વિશ્વ કપમાં પાક. સામે અપરાજીત ક્રમ જાળવી રાખ્યો: ફાધર્સ ડે પર સાતમો  પ્રભાવશાળી વિજય: ડી/એલ નિયમથી પાક.ને 89 રને કારમી હાર આપી
માંચેસ્ટર તા.16: વિશ્વ કપના પાકિસ્તાન સામેના ક્રિકેટ યુધ્ધમાં ભારતીય ટીમની ડકવર્થ-લૂઇસ નિયમથી 89 રને ઝળહળતો વિજય નોંધાયો હતો. ભારતને વિશ્વ કપમાં પાકિસ્તાન સામેનો 1992થી સિડનીથી શરૂ થયેલો અપરાજીત ક્રમ આજે માંચેસ્ટરમાં પણ જાળવી રાખીને સતત સાતમો વિજય મેળવ્યો હતો. ફાધર ડે પર ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતના રન વરસાદમાં પાક. ટીમ તણાઇ ગઇ હતી. વિશ્વ કપમાં પાકિસ્તાન વિરૂધ્ધની મહાજીતની દેશભરમાં મોડી રાત્રે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. મુંબઇથી લઇને માંચેસ્ટર સુધી ફટકડાંઓ ફૂટયા હતા અને નાચ-ગાન થયા હતા. ભારતે મેન ઓફ ધ મેચ રોહિત શર્માની આતશી સદી (140) રનથી પ વિકેટે 336 રન ખડકયા હતા. જવાબમાં પાક. ટીમ ભારતની ધારદાર બોલિંગ અને ચુસ્ત ફિલ્ડીંગ સામે 40 ઓવરમાં 6 વિકેટે 121 રને હાંફી ગઇ હતી. પાક.ના જયારે 3પ ઓવરમાં 6 વિકેટે 166 રન થયા હતા ત્યારે વરસાદનું મેચમાં બીજીવાર વિધ્ન સજાર્યું હતું. ત્યારે પણ પાક. ડી-એલ નિયમથી ભારતથી 86 રને પાછળ હતી. આ પછી તેને 40 ઓવરમાં જીત માટે અશકય સમાન 302 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. ભારત તરફથી કુલદિપ, હાર્દિક અને શંકરે 2-2 વિકેટ લીધી હતી.
એક તબકકે પાક.ના 1 વિકેટે 117 રન હતા. આ પછી કુલદિપે ઉપરાઉપરી બાબર આઝમ (48) અને ફરખ જમાન (62)ને આઉટ કરીને મેચની બાજી પલટાવી હતી. આ પછી હાર્દિક ત્રાટકયો હતો. તેણે ઉપરાઉપરી બે દડામાં હફિઝ (9) અને શોએબ મલિક (0)ને આઉટ કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. આ પહેલા વિજય શંકરે તેના પહેલા જ દડે ઇમામ ઉલ હક (7)ને આઉટ કર્યોં હતો.                          Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer