આતશી ઇનિંગથી ખુદ મોર્ગન હેરાન

આતશી ઇનિંગથી ખુદ મોર્ગન હેરાન
ઇંગ્લેન્ડના કેપ્ટને સ્વીકાર્યું કે કયારે પણ વિચાર્યું ન હતું કે 17 છક્કા સાથેની આતશી ઇનિંગ રમીશ

માંચેસ્ટર, તા.19 : અફઘાનિસ્તાન વિરૂધ્ધ વર્લ્ડ કપના ગઇકાલે રમાયેલા મેચમાં 17 છક્કા લગાવીને વિશ્વ વિક્રમ રચનાર ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગને કહયું છે કે તેણે કયારે પણ વિચાર્યું ન હતું કે તે આવી ધૂંઆધાર ઇનિંગ રમશે. ઇયાન મોર્ગને તેની કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમીને 71 દડામાં 17 છકકા અને 4 ચોકકાથી આતશી 148 રન કર્યાં હતા.  મોર્ગન વન ડે ક્રિકેટ ઇતિહાસનો પહેલો એવો બેટસમેન છે કે જેણે 100 કે તેથી વધુ રન માત્ર છકકાથી બનાવ્યા હોય. આ પહેલા સર્વાધિક છકકાનો રેકોર્ડ રોહિત શર્મા, એબી ડિ'વિલિયર્સ અને ક્રિસ ગેલના નામે 16-16 છકકાનો સંયુકતરૂપે હતો. 
હવે મોર્ગને 17 છકકા મારીને આ રેકોર્ડ તોડયો છે. મેચ બાદ તેણે કહયું કે મેં સપનામાં આવી આતશી ઇનિંગ વિચારી ન હતી, પણ મને ખુશી છે કે મેં આવું પરાક્રમ કર્યું છે. છકકાનો રેકોર્ડ બનાવવો અજીબ છે. મને ખુદને મારી ઇનિંગ પર આશ્ચર્ય થાય છે. 32 વર્ષીય ઇંગ્લેન્ડના સુકાનીએ કહયું કે પાછલા ચાર વર્ષોમાં કદાચ મેં મારી કેરિયરનું શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહયો છું, પણ 50-60 દડામાં સદી લગાવી ન હતી. જે આજે કરી છે.
મોર્ગને ગયા વર્ષના જુલાઇથી અત્યાર સુધીમાં 83.75ની સરેરાશ અને 112થી વધુની સ્ટ્રાઇક રેટથી રન કર્યાં છે. આ દરમિયાન તેણે બે સદી અને આઠ અર્ધસદી કરી છે. 
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer