કિવિઝ સામે ડયુસેન અને અમલાની અર્ધસદીથી આફ્રિકના 6/241

કિવિઝ સામે ડયુસેન અને અમલાની અર્ધસદીથી આફ્રિકના 6/241
ભીના મેદાનને લીધે મેચ 49-49 ઓવરનો : ન્યુઝીલેન્ડ તરફથી ફરગ્યુસનને 3 વિકેટ

બર્મિંગહામ, તા.19: વર્લ્ડ કપના આજના મેચમાં ટુર્નામેન્ટની બહાર થવાની કગાર પરની ટીમ દ. આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામેના મેચમાં 6 વિકેટે 241 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 49-49 ઓવરના મેચમાં આફ્રિકા તરફથી વેન ડેર ડયુસેને (અણનમ 67) અને અનુભવી હાશિમ અમલા (પપ)એ અર્ધસદી કરી હતી જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ઝડપી બોલર લોકી ફરગ્યુસને 59 રનમાં 3 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડને જીત માટે 49 ઓવરમાં સરળ કહી શકાય તેવો 242 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો છે. જો આ મેચમાં આફ્રિકાને હાર મળશે તો તેના માટે વિશ્વ કપના સેમિ ફાઇનલના દ્વાર બંધ થઈ જશે.
આ પહેલા આજે પાછલી રાતના વરસાદને લીધે મેદાન ભીનું હોવાથી મેચ મોડો શરૂ કરાયો હતો. આથી આ મેચ 49-49 ઓવરનો નિર્ધારિત થયો હતો. ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમ્સને ટોસ જીતીને દ. આફ્રિકાને દાવ  આપવાનું પસંદ કર્યું હતું. આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. ઇન ફોર્મ બેટસમેન ડિ'કોક પ રને બોલ્ટના દડામાં બોલ્ડ થયો હતો. આ પછી અમલા અને સુકાની પ્લેસિસ વચ્ચે બીજી વિકેટમાં 50 રનની ભાગીદારી થઈ હતી. પ્લેસિસ 23 રને આઉટ થતાં આ ભાગીદારી તૂટી હતી. અમલાએ એક છેડો સાચવી રાખ્યો હતો. તેણે વન ડે કારકિર્દીના 8000 રન પણ પૂરા કર્યા હતા. તે આ મામલે વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી બેટધર બન્યો હતો. અમલા અને માર્કરમ વચ્ચે ત્રીજી વિકેટમાં 52 રનની ભાગીદારી થઇ હતી. અમલા તેની 38મી અર્ધસદી પૂરી કરીને પપ રને કિવિ સ્પિનર સેંટનરના દડામાં ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી માર્કરમ પણ 38 રને પાછો ફર્યો હતો. 136 રનમાં 4 વિકેટ પડયા બાદ વાન ડેર ડુસાન અને ડેવિડ મિલરે થોડી ઓવર કિવિ બોલરો સામે ટકી રહીને પાંચમી વિકેટમાં 72 રન ઉમેર્યા હતા. જો કે મિલર વધુ ખતરનાક બને તે પહેલા ફરગ્યુસને તેને 36 રને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer