તોફાની વધઘટના અંતે શૅરબજારો ફ્લેટ બંધ થયાં

તોફાની વધઘટના અંતે શૅરબજારો ફ્લેટ બંધ થયાં
જૈન ઈરિગેશન અને જેટ એરવેઝ નવી નીચલી સપાટીએ બંધ થયા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, 19 : શૅરબજારમાં આજે મોટી વધઘટ પછી એનએસઈ નિફટી અગાઉના બંધ 11,691.45ના સ્તરે આજે ફ્લેટ બંધ રહ્યો હતો. શરૂઆતના ટ્રેડમાં નિફટી 11,802 સુધી ઉપર ગયા પછી તીવ્ર વેચવાલીથી ઘટીને 11,625 સુધી ખાબક્યો હતો, પરંતુ છેલ્લી 30 મિનિટ દરમિયાન કેટલાક ચુનંદા શૅરમાં વેચાણ કપાવાથી નિફટી અગાઉના બંધ સુધી 11,691.45 પર ટકેલો રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 66 પૉઈન્ટ સુધારે 39,113ની સપાટીએ બંધ આવ્યો હતો.
ફેડ રિઝર્વ દ્વારા આગળ ઉપર વ્યાજદર ઘટાડવાના સંકેતને લીધે વૈશ્વિક બજારો નવા જોમ સાથે ઉતાર્યાં હતાં. જેની સામે સ્થાનિક બજારમાં રિટેલ રોકાણકાર અને ફંડોની નર્વસનેસ ચાલુ રહી હતી. જેથી નિફટીના 28 શૅર ઘટવા સામે 22 સુધારે રહ્યા હતા. નિફટીના ક્ષેત્રવાર ઈન્ડેક્ષમાં રીયલ્ટી 1.1 ટકા સુધારે હતો, જ્યારે ફાર્મા અને વાહન અનુક્રમે 1.6 ટકા અને 1.1 ટકા ઘટયા હતા. પીએસયુ બૅન્કેક્ષ 1 ટકા અને આઈટી 0.25 ટકા ઘટાડે બંધ હતા. મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ અનુક્રમે 1 અને 2 ટકા ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ મીડકેપ 0.7 ટકા અને સ્મોલકેપ 1.37 ટકા ઘટયા હતા.
વ્યક્તિગત શૅરમાં સૌથી વધુ તૂટનાર જૈન ઈરીગેશન 22 ટકા અને જેટ ઍરવેઝ 29 ટકા ઘટવા સાથે નવી નીચી સપાટી રૂા. 28.60 બંધ રહ્યો હતો, જ્યારે ઈન્ડ-રાએ રેટિંગ ડાઉન કરવાથી જૈન ઈરીગેશન રૂા. 21.25 બંધ હતો. આ સાથે ગ્લેનમાર્ક 1 ટકા ઘટાડે બંધ હતો.
આજે મુખ્ય સૂચકાંકમાં સુધરનારા શૅરમાં એચડીએફસી રૂા. 22, ટાઈટન રૂા. 17, ટીસ્કો રૂા. 22, કોટક બૅન્ક રૂા. 36, ઝી રૂા. 13, એચડીએફસી બૅન્ક રૂા. 11, ટીસીએસ રૂા. 9, બ્રિટાનીયા રૂા. 6 વધ્યા હતા. 
આજે ઘટાડાની આગેવાની લેનાર શૅરમાં ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 28, યુપીએલ રૂા. 50, અદાણી પોર્ટ રૂા. 13, યસ બૅન્ક રૂા. 6, બજાજ ઓટો રૂા. 32, સીપ્લા રૂા. 13, ડૉ. રેડ્ડીસ રૂા. 40, ઈન્ડિયાબુલ્સ રૂા. 54, અલ્ટ્રાટેક રૂા. 26,એક્સીસ બૅન્ક રૂા. 5,  એમઍન્ડએમ રૂા. 11, હીરો મોટર્સ રૂા. 62, ટેક મહિન્દ્રા રૂા. 6, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 4 અને મારુતી સુઝુકી રૂા. 14 ઘટયા હતા.
વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર સુધારો
ફેડ રિઝર્વના વ્યાજદર બાબતે સકારાત્મક સંકેતને લીધે વૈશ્વિક બજારોમાં મોટો સુધારો જોવાયો હતો. અમેરિકાનો મુખ્ય નાસ્દાક ઈન્ડેક્ષ 109 પૉઈન્ટ્સ અને ડાઉજોન્સ 1.35 ટકા ઉછળ્યો હતો. એશિયાના મુખ્ય બજાર હૉંગકૉંગમાં હૅંગસૅંગ નોંધપાત્ર 703 પૉઈન્ટ, ચીનનો શાંધાઈ ઈન્ડેક્ષ 28 પૉઈન્ટ અને જપાનમાં નિક્કી 361 પૉઈન્ટ વધ્યા હતા.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer