મુદ્રા અંતર્ગત એમએસએમઈ ક્ષેત્રને રૂા.20 લાખની બાંયધરીમુક્ત

મુદ્રા અંતર્ગત એમએસએમઈ ક્ષેત્રને રૂા.20 લાખની બાંયધરીમુક્ત
લોન આપવા આરબીઆઈ પેનલની ભલામણ

નવી દિલ્હી, તા. 19 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની નિષ્ણાત કમિટીએ મુદ્રા યોજના અંતર્ગત માઈક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસિસ (એમએસએમઈ)ને બાંયધરીમુક્ત લોનની મર્યાદા રૂા.10 લાખથી બમણી કરીને રૂા.20 લાખ કરવાની ભલામણ કરી છે. 
જો આરબીઆઈ આ ભલામણને સ્વીકારે તો બૅન્કિંગ નિયામકે તેમના 1 જુલાઈ, 2010ના સર્ક્યુલરમાં ફેરફાર કરવો પડશે, જેમાં રૂા.10 લાખ સુધી બાંયધરીમુક્ત લોન ફાળવવાની જોગવાઈ છે. 
એમએસએમઈ ક્ષેત્રના વર્તમાન માળખાની સમીક્ષા કરવા માટે આરબીઆઈની આઠ સભ્યોની એક કમિટીની રચના થઈ હતી, જેમણે આ ભલામણો કરી છે. બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)ના ભૂતપૂર્વ ચૅરમૅન યુ. કે. સિન્હાના નેજા હેઠળ આ પેનલ કાર્યરત છે. આ રિપોર્ટ મંગળવારે સુપરત કરવામાં આવ્યો હતો અને શુક્રવાર સુધીમાં તેને જાહેર કરવાની શક્યતા છે. 
એમએસએમઈની લાંબા ગાળાની નાણાકીય અને આર્થિક સ્થિરતા માટે વિવિધ સૂચનો કર્યા છે. રિપોર્ટમાં ડૂબવાપાત્ર લોનનું પુન:ગઠન કરવાનો પણ ઉલ્લેખ છે. સરકાર એમએસએમઈની વ્યાખ્યામાં સુધારા કરી રહી છે એવા સમયે પેનલે આ રિપોર્ટ સુપરત કર્યો છે. 
વર્ષ 2006ની વ્યાખ્યા પ્રમાણે, રૂા.25 લાખથી ઓછું રોકાણ ધરાવતા ઉત્પાદન એકમ માઈક્રો, રૂા.25 લાખથી રૂા.5 કરોડનો રોકાણ ધરાવતા ઉત્પાદન એકમ સ્મોલ, રૂા.5 કરોડથી રૂા.10 કરોડનો મીડિયમ છે. સર્વિસીસ યુનિટ માટે માઈક્રોમાં રૂા.10 લાખ, રૂા.10 લાખથી રૂા.2 કરોડનું રોકાણ ધરાવતું સર્વિસ સેન્ટર સ્મોલ અને રૂા.2 કરોડથી રૂા.5 કરોડ રોકાણ ધરાવતા એકમો મીડિયમ એન્ટરપ્રાઈસિસ તરીકે વર્ગીકૃત થયા છે. 
જોકે, નવા ડ્રાફ્ટમાં પ્રસ્તાવિત ફેરફાર પ્રધાનમંડળે મંજૂર કર્યો છે પરંતુ સ્વીકાર્યો નથી. તેમના મતે રોકાણના પ્રમાણ કરતા ટર્નઓવરના હિસાબે વ્યાખ્યા થવી જોઈએ. નવા ડ્રાફ્ટમાં ઉત્પાદન અને સર્વિસીસ એકમને અલગ રખાયો નથી. રૂા.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એકમો માઈક્રો, રૂા.75 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એકમો સ્મોલ અને રૂા.250 કરોડનું ટર્નઓવર ધરાવતા એકમો મીડિયમ ગણાશે. 
પ્રધાન મંત્રી મુદ્રા યોજના એપ્રિલ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. આમાં નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ સ્મોલ ઍન્ડ માઈક્રો એન્ટરપ્રાઈસિસને લોન આપવામાં આવે છે.  
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer