ઇ-સિગારેટ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકાશે પ્રદીપસિંહ જાડેજા

ડ્રગ્સ, માદક પદાર્થોનાં વેચાણ-સંગ્રહ કરનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19: ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ દ્વારા ઓનલાઇન મગાવાતી ઇ-સિગારેટ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે, એવી જાહેરાત આજે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. મહત્ત્વનું છે કે, હાલમાં ભારતનાં 12 રાજ્યો સહિત વિશ્વના 36 દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
જાડેજાએ એમ પણ કહ્યું કે, રાજ્યનું યુવધાન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને નશાબંધીના સખત અમલ માટે કાયદાકીય સુધારા કરી કાયદાને વધુ સુદઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોનાં વેચાણ-સંગ્રહ કરનાર કોઇ પણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટિક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટિક્સ પકડાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથ કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમણે એમ પણ કહ્યું કે, ડ્રગ્સ સૂંધીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓનલાઇન ઉપલબ્ધ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે 18 વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી 18 વર્ષથી નીચેના સગીરો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે અને ઇ-સિગારેટની તેમને લત લાગતાં શારીરિક તેમ જ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજ્યના યુવાધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી તેને ઉગતી જ ડામવી અનિવાર્ય છે. આથી, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સંબંધિત કાયદામાં સુધારો પણ કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે, કેફી પદાર્થ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ હેઠળ રાજ્યમાં વર્ષ 2017માં કુલ 67 કેસોમાં 87 આરોપીઓની ધરપકડ કરાઇ છે. વર્ષ 2018માં કુલ 150 કેસોમાં 207 આરોપીઓ તેમ જ વર્ષ 2019માં 31 મેની સ્થિતિએ 61 કેસોમાં 91 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યની એટીએસ દ્વારા દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે રૂા.14 કરોડથી વધુનો 300 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરીને ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર પાસેના ઇનપુટના આધારે ગુજરાત એટીએસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે રહીને પોરબંદરના દરિયામાંથી 9 ઇરાનીઓ પાસેથી રૂા.500 કરોડનો અંદાજે 100 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે એટીએસ ખાતે ગુનો દાખલ કરી આરોપી મહોમદ અબ્દુલ કલામ કન્નીની પૂછપરછ દરમિયાન તેમના કબજામાં દિલ્હી ખાતેના પહાડગંજ વિસ્તારમાંથી રૂા.20 કરોડની કિંમતનું 4 કિલો મેથાએમફેટાઇન પકડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચ્છના જખૌની પાસે તા.21 મે, 2019ના રોજ કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર નજીક અલ-મદીના નામની બોટમાંથી હેરોઇન ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યાં હતાં. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂા.400-500 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી રહેલા 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer