ભેળસેળિયા ખાદ્યપદાર્થો અને જ્યૂસ વેચનારાઓને આજીવન કેદની માગણી

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો અને ફળોના જ્યૂસ વેચનારાઓને આજીવન કેદની સજા કરવાની માગણી વિધાનસભામાં આજે વિરોધપક્ષોએ કરી છે.
વિધાનસભામાં કૉંગ્રેસના અમિત દેશમુખે આ અંગે ધ્યાનાકર્ષક દરખાસ્ત રજૂ કરી હતી. તેની ચર્ચાના જવાબમાં એફડીએ ખાતાના પ્રધાન જયકુમાર રાવલે જણાવ્યું હતું કે આ અંગેના લાઇસન્સ આપવાની સત્તા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને હોય છે. આમ છતાં જ્યારે ભેળસેળની ફરિયાદો મળે ત્યારે એફડીએ કાર્યવાહી કરે છે. ચાલુ વર્ષે એપ્રિલથી મે માસના ગાળામાં મુંબઈમાં 8012 ફેરિયા વિરુદ્ધ કાર્યવાહીમાં 21,463 કિલો ખાદ્યસામગ્રી, 36,054 લિટર લીંબુ શરબત, 1,16,823 કિલો બરફ જપ્ત કરવામાં આવ્યો હતો એમ રાવલે ઉમેર્યું હતું.
દેશમુખે જણાવ્યું હતું કે મુંબઈ પાલિકા દ્વારા તાજેતરમાં પાડવામાં આવેલા દરોડામાં માલૂમ પડયું હતું કે લીંબુ શરબત અને શેરડીના રસના મોટા ભાગના નમૂના ભેળસેળ ધરાવે છે. ડોંબિવલીમાં એમઆઈડીસી પરિસરમાંની વસાહતમાં રેલવેના પાટાની પાસે શાકભાજી ઉગાડવામાં આવે છે. તેમાં ફેક્ટરીમાંથી છોડવામાં આવેલું નકામું રસાયણોનું ગંદુ પાણી વાપરવામાં આવે છે. તેના કારણે લોકોના જીવ માટે જોખમ સર્જાય છે એમ દેશમુખે ઉમેર્યું હતું.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અજિત પવારે જણાવ્યું હતું કે અમારી સરકાર સત્તા ઉપર હતી ત્યારે ભેળસેળ ધરાવતું દૂધ વેચનારાઓને આજીવન કેદની સજા આપવાની ભલામણ કેન્દ્ર સરકારને કરી હતી.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer