શિરડી મંદિરના સિક્કાઓનો પ્રશ્ન ઉકેલાયો

બૅન્કોને સિક્કા સ્વીકારવાનું ચાલુ રાખવાની આરબીઆઇની સૂચના 

શિરડી, તા. 19 (પીટીઆઇ) : શિરડીના પ્રસિદ્ધ સાંઇબાબા મંદિરના ચલણી સિક્કાઓ સ્વીકારવાનું ચાલુ રાખવાની સૂચના રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રાષ્ટ્રીયકૃત બૅન્કોને આપી હોવાનું મંદિરની વહીવટી સમિતીએ આજે જણાવ્યું હતું. સાંઇબાબાના મંદિરની દાનપેટીઓમાં ભક્તો દ્વારા રોજ હજારો સિક્કા પધરાવવામાં આવે છે, શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના બૅન્ક અકાઉન્ટોમાં મોટા પ્રમાણમાં આ સિક્કાઓ જમા કરાવાય છે, તાજેતરમાં બૅન્કોએ આટલા મોટા પ્રમાણમાં સિક્કાઓ અલગ તારવીને ગણતરી કરવી અને બાદમાં સાચવવાની જગ્યા ન હોવાનું કહીને ટ્રસ્ટને સિક્કાઓ જમા કરવાનો ઇનકાર કર્યો હતો.
આ બાબતે મધ્યસ્થી કરતાં આરબીઆઇએ આજે નવી મુંબઈમાં બેઠક કરી હતી અને મંદિર ટ્રસ્ટ તરફથી જમા કરાવાતા સિક્કાઓ સ્વીકારતા રહેવાની સૂચના આપી હતી, એમ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર (સીઇઓ) દીપક મુગલીકરે જણાવ્યું હતું. 
મુગલીકરે કહ્યું હતું કે ટ્રસ્ટે કામચલાઉ ધોરણે સીસીટીવી કૅમેરા અને સુરક્ષા વ્યવસ્થા સાથે મંદિરની રૂમોમાં બૅન્કો વતી આ સિક્કાઓ સાચવવાની તૈયારી દાખવી હતી, જે વિકલ્પ સ્વીકારીને આરબીઆઇએ બૅન્કોને સિક્કાઓ સ્વીકારવાનું ચાલુ રાખવાની સૂચના આપી છે.
મંદિરની દાનપેટીઓની રકમની ગણતરી અઠવાડિયામાં બે વાર કરવામાં આવે છે અને સરેરાશ દરેક ગણતરી વખતે આશરે બે કરોડની રકમમાં લગભગ પાંચ લાખ રૂપિયાના સિક્કા હોય છે. ગયા વર્ષે મંદિરને કુલ 165 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જેમાં ચાર કરોડ રૂપિયા તો સિક્કાઓરૂપે હતા. 11 બૅન્કોમાં ટ્રસ્ટનું અકાઉન્ટ હોવાનું જાણવા મળ્યું છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer