આચારસંહિતા ભંગના 161 કેસ હજી પણ પેન્ડિંગ

કુલ 510 મામલામાંથી 277નો નિવેડો : 72 ફરિયાદો ધ્યાને લેવાઈ નહીં

નવીદિલ્હી, તા.19: લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આ વખતે નેતાઓએ રાજકારણનું સ્તર નીચલી સપાટીએ પહોંચાડી દીધું હતું. જેને પગલે આચાર સંહિતાના ભંગની ફરિયાદોમાં પણ વધારો થયો હતો. લોકસભા ચૂંટણીમાં કુલ મળીને 510 આવી ફરિયાદો મળી હતી. જેમાંથી 140 તો એકલા ઉત્તરપ્રદેશની હતી. આચાર સંહિતાના કુલ કેસમાંથી 161 કેસનો હજી પણ નીવેડો આવ્યો નથી અને તે ચૂંટણી પંચમાં પડતર છે.
ચૂંટણી પંચ દ્વારા નોંધવામાં આવેલા 510 આચારસંહિતાના ભંગના કેસમાંથી 72 ફરિયાદો એવી હતી જેના ઉપર આયોગે વિચાર કર્યો ન હતો. મોટાભાગની ફરિયાદો સરકારની વિરુદ્ધ હતી. એક ફરિયાદ એવી પણ હતી કે જેમાં ચૂંટણીપંચે ફેંસલો આપીને તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં મોકલી દીધો હતો પરંતુ તેના ઉપર સરકાર તરફથી શું કાર્યવાહી કરવામાં આવી તેના વિશે કોઈ જાણકારી મળી નથી. 
આ ફરિયાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહની વિરુદ્ધ હતી. જેમણે ચૂંટણી દરમિયાન અલીગઢમાં ભાષણ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બીજીવાર ચૂંટાવું આવશ્યક ગણાવ્યું હતું. ચૂંટણીપંચે કલ્યાણસિંહને આચાર સંહિતા ઉલ્લંઘનના દોષિત ગણીને કાર્યવાહી માટે ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિ તરફથી એ ફાઇલ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવી હતી. 
અત્યાર સુધી પેન્ડિંગ 161 ફરિયાદો સંબંધે કહેવામાં આવ્યું છે કે તેની પ્રાથમિક તપાસ થઈ રહી છે અને તે ક્યાં સુધી ચાલે તે વિશે કંઈ કહી ન શકાય. આચારસંહિતા ભંગની 277 ફરિયાદો નિપટાવી દેવામાં આવી છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer