ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકો સામૂહિક યોગ અભ્યાસમાં જોડાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19: ગુજરાતભરમાં પાંચમા વિશ્વ યોગ દિવસની તા.21 જૂન, 2019ના રોજ યોગ ફૉર હાર્ટ કેરની થીમ સાથે 50 હજારથી વધુ સ્થાનોએ  જનભાગીદારીથી ઉજવણી થશે. આ વર્ષે રાજ્યના 33 જિલ્લાઓ, 8 મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને 1 કરોડ 51 લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન સરકારે કર્યું છે, એમ આજે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતું.
પત્રકાર પરિષદમાં શિક્ષણપ્રધાન ચૂડાસમાએ કહ્યુ ંકે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રીય પ્રયાસોથી વર્ષ 2014માં યુએનમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક  સ્વીકૃતિ મળી અને વર્ષ 2015 થી દર વર્ષે તા.21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આજે 170 દેશો તા.21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. તેમણે કહ્યુ ંકે, પ્રવાસન-યાત્રાધામો અને ઐતિહાસિક મહત્તા ધરાવતા સ્થાનો સાથે જોડીને યોગ સહ પ્રવાસને વેગ આપવાનો નવતર અભિગમ ગુજરાતે અપનાવ્યો છે. 
વિશ્વ યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્યપાલ ઓપી કોહલી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સવારે 6 થી 8 કલાક દરમિયાન યોજાશે.વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી સંબોધન સંદેશાનું સવારે 6-30 કલાકે રાજ્યભરમાં વીડિયો લીંક મારફતે યોગ અભ્યાસ સ્થળે પ્રસારિત કરવામાં આવશે. 
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer