મુંબઈના જળાશયોમાં માત્ર 26 દિવસ ચાલે એટલું જ પાણી

મુંબઈ, તા. 19 : મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતા જળાશયોમાં પાણીની સપાટી સાવ નીચે ગઈ છે અને હજી સુધી વરસાદ પણ પડયો નથી એટલે મુંબઈ પર પાણીનું સંકટ મંડરાઈ રહ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં ફક્ત 6.1 ટકા જ પાણી બાકી છે જે 26 દિવસ સુધી ચાલે તેટલું જ પૂરતું છે. ગયા વર્ષે પૂરતો વરસાદ ન પડતા મુંબઈમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. જો આવનારા થોડાક દિવસમાં પૂરતો વરસાદ નહીં પડે તો પાણીકાપમાં હજી વધારો થવાની શક્યતા છે. 
મુંબઈને મધ્ય વૈતરણા, ભાતસા, તાનસા, મોડક સાગર, વિહાર, તુલસી અને અપર વૈતરણામાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ વર્ષે ચોમાસું લંબાતા અને ગત વર્ષે પૂરતો વરસાદ ન પડતા જળાશયોમાં પાણીની સપાટી સાવ તળીયે આવી ગઈ છે અને ફક્ત 6.1 ટકા જ પાણી છે. ગત વર્ષે 2018માં આ જળાશયોમાં 18 જૂનના રોજ 14.8 ટકા એટલે 215 હજાર મિલિયન લિટર પાણી હતું. જ્યારે 18 જૂન 2017 ના રોજ 18.6 ટકા એટલે 270 હજાર લિટર પાણી હતું. 
મુંબઈમાં અત્યારે 10 ટકા પાણીકાપ ચાલુ છે. અત્યારે મુંબઈગરાંને સરેરાશ પ્રતિ દિવસ 35,200 લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે તેમને પ્રતિ દિવસ સરેરાશ 45,000 લાખ લિટર પાણીની જરૂર છે. એટલે જરૂરિયાત કરતા 9,800 લાખ લિટર પાણી મુંબઈગરાંને ઓછું મળતું હોવાનું સૂત્રોએ કહ્યું હતું. 
મુંબઈ પાલિકા પાસે કુલ પાણીપુરવઠાનો 10 ટકા પાણી પુરવઠો આરક્ષિત હોય છે. તેમાંથી પાલિકાને 140 લાખ લિટર પાણી ઉપલબ્ધ થાય છે. ચોમાસું લંબાતા ભાતસા જળાશયમાંથી આરક્ષિત પાણી પુરવઠો વાપરવાની શરૂઆત કરી છે. તે સિવાય સરકારના વૈતરણા અને ભાતસા જળાશયમાંથી વધારાના પાણીની માગણી પાલિકાએ કરી છે અને સરકારે મંજુરી પણ આપી છે. આવનારા દિવસોમાં મુંબઈમાં પૂરતો વરસાદ નહીં પડે તો વધુ પાણીકાપ થવાની શક્યતાનું સંકટ મુંબઈગરાંના માથે છે. 
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer