ગમે ત્યાં વાહન પાર્ક કરતાં નહીં, પાલિકા દસ હજારનો દંડ ફટકારશે

ગમે ત્યાં વાહન પાર્ક કરતાં નહીં, પાલિકા દસ હજારનો દંડ ફટકારશે
મુંબઈ, તા. 19 : મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પર થતાં આડેધડ પાર્કિંગ સામે એકદમ આકરો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે અને ઠેર-ઠેર નો -પાર્કિંગ ઝોન બનાવી ત્યા પાર્ક થતાં વાહનોના માલિકોને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે..આ નિર્ણયનો અમલ 7 જુલાઈથી કરવામાં આવશે.
પાલિકાના પ્રવક્તાએ કહ્યું હતું કે પાલિકાએ શહેરના વિવિધ ભાગોમાં 146 પાર્કિંગ લોટ ઊભા કર્યા છે અને એમાં 34,808 વાહનો પાર્ક કરવાની સુવિધા છે. આમછતાં  લોકો પાર્કિંગ લોટનો ઉપયોગ કરવાને બદલે એની બહાર આડેધડ પાર્કિંગ કરે છે અને ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઊભી કરે છે. આને લીધે પાલિકાના પાર્કિંગ લોટની એક કિલોમીટરની હદને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવશે અને ત્યાંના પાર્કિંગને ગેરકાયદે ગણી વાહનચાલકને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે.
એ ઉપરાંત શહેરના મહત્વના રસ્તાને જોડતા માર્ગ પર કરાતા પાર્કિંગ સામે પણ પાલિકાએ લાલ આંખ કરી છે.આવા નાના રસ્તાને પણ નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાશે અને ત્યાં પાર્ક કરવામાં આવેલા વહનોના માલિક પાસેથી પણ દસ હજારનો દંડ વસૂલ કરવામાં આવશે.
પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ પાલિકાના તમામ ડેપ્યુટી કમિશનરોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવાનો અને એ વિશે જનજાગૃતિ ફેલાવવાનો આદેશ આપ્યો છે. જે વાહનમાલિક દંડ નહી ભરે એનું વાહન ટૉ કરી જવામાં આવશે. આ નિર્ણયનો પ્રભાવીપણે અમલ થાય એ માટે તમામ 24 વૉર્ડ અૉફિસરોને સંબંધિત કોન્ટ્રેક્ટરોને માજી સૈનિકોની નિમણૂક કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ માજી સૈનિકોની નિમણૂક કરવાનું કોન્ટ્રેક્ટરો માટે બંધનકર્તા હશે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer