ચમકી તાવથી બિહાર બેહાલ 18 દિવસમાં 146 બાળકના મોત

ચમકી તાવથી બિહાર બેહાલ 18 દિવસમાં 146 બાળકના મોત
પટણા, તા. 19 : ઉત્તર બિહારમાં ઉપાડો લેનાર જીવલેણ ચમકી તાવથી બાળકોના મોતનો દોર ચાલુ જ છે. અત્યાર સુધીમાં કુલ્લ 146 બાળકોએ દમ તોડયો છે. ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં નવ બાળકોના મોત થયા હતા.
છેલ્લા 18 દિવસમાં ચમકી તાવના 429 કેસ નોંધાયા છે. એકલા મુઝફફરપુરમાં અત્યાર સુધી 146 બાળકના મોત થઈ ચૂકયા છે.
આટલી મોટી સંખ્યામાં બાળકોના મોત બાદ રાજ્ય અને કેન્દ્રની સરકારો હરકતમાં આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને વિવિધ તજજ્ઞો સાથે બેઠક યોજી હતી જેમાં ચમકી તાવના દર્દીઓની સઘન તપાસ, સારવાર તેમજ આ તાવને રોકવા માટે અલગ-અલગ વિષયના તજજ્ઞોનું એક સ્થાયી જૂથ બનાવવાનો ફેંસલો કરાયો હતો.
એઇએસ લાગુ પડયાની ફરિયાદ સાથે મુઝફફરપુરની જે હોસ્પિટલમાં તા.1 જુનથી 300 બાળકો દાખલ કરાયાં છે તેની આજે મુલાકાત લેનાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર અને નાયબ સીએમ સુશીલ મોદી, આઇસીયુમાં જઈ દર્દીઓને મળ્યા હતા અને હોસ્પિટલ સત્તાવાળાઓ તથા રાજ્યના અન્ય આરોગ્ય અધિકારીઓ સાથે તત્કાળ સમીક્ષા બેઠક કરી હોસ્પિટલમાં તત્કાળ વધુ દોઢ હજાર પથારીઓ ઉમેરી તેને અઢી હજાર પથારીઓવાળી હોસ્પિટલમાં ફેરવવા દોરવણી આપી હતી તેમજ આ હોસ્પિટલમાં દાખલ દર્દી બાળકના કુટુંબીજનો અને સ્વજનોને રહેવા ધર્મશાળા બાંધવાની ય દોરવણી આપી હતી. ખુવારીઆંક 3 આંકડાનો થયા બાદ હોસ્પિટલની મુલાકાત લીધા સામેનો રોષ વ્યક્ત કરવા અનેક લોકોએ હોસ્પિટલ બહાર નીતિશકુમાર પાછા જાઓના નારા લગાવ્યા હતા. આ હોસ્પિટલના તબીબોને મદદરૂપ થવા દરભંગા અને પટણાની મેડિકલ કોલેજમાંથી તબીબો લાવવાના આદેશ પણ અપાયા છે.
દરમિયાન ઓડિશાની બજારોમાં વેચાતી લિચીના લેબટેસ્ટનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer