માફિયા ડૉન દાઉદ ઈબ્રાહિમ ડરપોક હતો

માફિયા ડૉન દાઉદ ઈબ્રાહિમ ડરપોક હતો
ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટલિજન્સના ભૂતપૂર્વ ચીફે લખેલા પુસ્તકમાં લખી કોઈને ખબર ન હોય એવી અમુક વાતો

મુંબઈ, તા. 19 : ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટલિજન્સ (ડીઆરઆઈ)ના ભૂતપૂર્વ મહાસંચાલક બી.વી.કુમારે મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમની અન્ડર વર્લ્ડ ડોન બનવા સુધીના પ્રવાસ વિષે પોતાના નવા પુસ્તક `ડીઆરઆઈ ઍન્ડ ધ ડૉન્સ' માં અનેક બાબતોનો ઘટસ્ફોટ કર્યો છે. કુમારે દાઉદનો ગુનેગાર બનવાનો ઘટનાક્રમ નજીકથી જોયો છે. દાઉદ અત્યંત સામાન્ય અને ડરપોક માણસ હતો અને સંગઠિત ગુનાખોરીમાં સહભાગી હોવાની વાત તેણે પોતે કબૂલી હતી એ પણ કુમારે પોતાના પુસ્તકમાં લખ્યું છે. 
અભિનેતા દિલીપકુમારની બહેન સાથે લગ્ન કરનાર અને અંડરવર્લ્ડમાં સક્રિય રાશીદ અર્બા નામની વ્યક્તિએ દાઉદના ઠેકાણાની માહિતી આપી હતી. દક્ષિણ એશિયામાં અંડરવર્લ્ડના ગુનાઓ નામશેષ કરવા ડીઆરઆઈના યોગદાનને પ્રકાશમાં લાવવા માટે કુમારે `ડીઆરઆઈ ઍન્ડ ધ ડૉન્સ' નામનું પુસ્તક લખ્યું છે. 
ડીઆરઆઈએ દાઉદ વિરુદ્ધ કૉફેપોસા અંર્તગત ગુનો નોંધ્યો હતો. તેની ધરપકડ બાદ ગુજરાત હાઈ કોર્ટમાં એક અરજી સુનાવણી માટે આવી હતી. જેમાં દાઉદને તાત્કાલિક છોડવા માટે તેના તરફથી રામ જેઠમલાની કોર્ટમાં હાજર રહ્યા હતા તેમ કુમારે કહ્યું હતું. જામીન પર છૂટયા બાદ તે દુબઈ નાસી ગયો હતો. કૉફેપોસા પ્રકરણમાં ડીઆરઆઈ આજે પણ દાઉદની શોધમાં છે. 80 ના દસકામાં બી.વી.કુમાર અમદાવાદમાં કસ્ટમ્સ કમિશનર હતા. ત્યારે દાઉદ અને કરીમ લાલા ગેન્ગમાં મોટા પ્રમાણમાં ગેન્ગ વોર ચાલુ હતી. તેને લીધે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શાંતિ સામે જોખમ ઊભું થયું હતું. 
પુસ્તકમાં ગુજરાત-મુંબઈ પ્રવાસ દરમિયાન દાઉદને ગોળી વાગી હોવાનો પણ એક કિસ્સો છે. દાઉદ એકવાર પોરબંદરથી કારમાં મુંબઈ જતો હતો. ત્યારે તેના સાગરીત આલમઝેબને મારવા માટે છોડેલી ગોળી અકસ્માતે દાઉદને વાગી હતી. ગોળી દાઉદની ગરદન પર વાગી હતી પણ ઈજા તેટલી ગંભીર નહોતી અને તેને તરત જ વડોદરાની સયાજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મને આ વિષે માહિતી મળ્યા બાદ તરત જ વડોદરા પોલીસ કમિશનર પી.કે.દત્તા સાથે વાત કરી હોવાનું કુમારે પુસ્તકમાં લખ્યું છે. ત્યારબાદ તપાસમાં દાઉદે કબૂલ્યુ હતું કે તે બે ગેરકાયદે ધંધા કરે છે. તે મારી સાથે હિંદીમાં વાત કરતો હતો અને એક સામાન્ય માણસ મને લાગ્યો હતો. દત્તાના કાર્યાલયમાં અડધો કલાક સુધી તપાસ ચાલી હતી. ત્યારબાદ હું અમદાવાદ ગયો અને કૉફેપોસા અંતર્ગત દાઉદને તાબામાં લેવાનું વોરન્ટ મળ્યું, તેવું કુમારે પુસ્તકમાં લખ્યું છે. 
દાઉદ એશિયા ખંડનો ડૉન કઈ રીતે બન્યો?  રાજકીય ઈચ્છાશક્તિ ન હોવાથી તે હજી સુધી કાબૂમાં નથી આવ્યો તેવું મનાય છે. કુમારના મતે દાઉદે પોતાના પૈસાની તાકાતના જોરે બૉલીવૂડ જગત અને ક્રિકેટની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પૈસાના જોરે જ તેને કેટલાય મોટા રાજકારણીઓને પોતાની તરફ કરી લીધા છે. યુએઈમાં દાઉદ જેટલો પ્રભાવશાળી હતો તેટલો હવે તે રહ્યો નથી. યુએઈમાં દાઉદનું સેલિબ્રિટી પર વર્ચસ્વ હતું. વધતી ઉંમરને કારણે દાઉદની તબિયત પણ હવે પહેલા જેવી રહી નથી. છેલ્લે સુધી તે પાકિસ્તાનમાં જ રહેશે તેમ કુમારને લાગે છે. 
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer