ઓમ બિરલા સર્વાનુમતે લોકસભાના સ્પીકર ચૂંટાયા

ઓમ બિરલા સર્વાનુમતે લોકસભાના સ્પીકર ચૂંટાયા
નિષ્પક્ષપણે ગૃહની કાર્યવાહી ચલાવવાની આપી ખાતરી

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 19 : ભાજપના સાંસદ અને એનડીએના ઉમેદવાર ઓમ બિરલાને આજે સર્વાનુમતિથી 17મી લોકસભાના નવા સ્પીકર ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને હોદ્દો સંભાળ્યા બાદ ઓમ બિરલાએ તમામ સાંસદોને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ નિષ્પક્ષતાથી સંસદ ચલાવશે અને ઓછી સંખ્યા ધરાવતા પક્ષોને પણ પૂરતી તક અને સમય આપશે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ લોકસભાના તમામ વિપક્ષોએ સંસદની કાર્યવાહી સુચારુ રૂપે ચલાવવા નવા સ્પીકરને સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું. વડા પ્રધાને ઓમ બિરલાને સ્પીકર ચૂંટાઈ આવવા બદ્લ અભિનંદન આપ્યા હતા અને શુભકામના આપી હતી અને એવો વિશ્વાસ વ્યકત કર્યો કે, વર્ષોથી પોતાની સામાજિક સંવેદનાઓથી ભરેલા જીવનને કારણે તેઓ સંસદનું સરળતાથી સંચાલન કરી શકશે. વડા પ્રધાને પોતાના પ્રવચનમાં ઓમ બિરલાનાં યોગદાન અને સેવાકાર્યોની પ્રશંસા કરી હતી.
વડા  પ્રધાને જણાવ્યું હતું કે, બિરલાને લોકસભાના સ્પીકર તરીકે સાંસદોને અનુશાસિત કરવા અને સત્તા પક્ષને પણ નિયમોની અવગણના કરવા બદ્લ ટીકા કરવાનો પૂરો અધિકાર રહેશે. વડા પ્રધાને ગૃહને એવી ખાતરી આપી હતી કે, સરકાર ગૃહની કાર્યવાહીને સરળ બનાવવા સો ટકા સહયોગ કરશે.
નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, તેઓ નિષ્પક્ષતા સાથે ગૃહની કાર્યવાહી ચલાવશે અને ઓછું સંખ્યાબળ ધરાવતા પક્ષોને પણ પૂરતો સમય આપશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પાસેથી વધુ જવાબદારી અને પારદર્શિતાની અપેક્ષા છે.
લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાને વડા પ્રધાન મોદી, કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત અન્ય વિપક્ષી નેતાઓ સ્પીકરના આસન સુધી લઈ ગયા હતા અને સન્માન સાથે ખુરશી પર બેસાડયા હતા.ઓમ બિરલા રાજસ્થાનના કોટા સંસદીય વિસ્તારમાંથી લગાતાર બીજીવાર સાંસદ ચૂંટાયા છે.
વિપક્ષે લોકસભાના સ્પીકરની ચૂંટણીમાં પોતાનો કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો.
ઓમની નમ્રતાથી ડર લાગે છે : વડા પ્રધાન
લોકસભા સ્પીકર બનવા બદલ ઓમ બિરલાને અભિનંદ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સૌમ્ય વ્યક્તિત્વના વખાણ કર્યા હતા. ઓમની નમ્રતા જોઈને કયારેક મને ડર લાગે છે તેવું મોદીએ કહ્યું હતું. આ ગૃહની ગરિમાને નવી ઊંચાઈ સુધી લઈ જવા સક્ષમ ઓમ બિરલા સાથે કામના અનુભવમાંથી ઘણું શીખવા મળ્યું તેવું કહેતાં વડાપ્રધાને સદન ચલાવવામાં સહયોગનો કોલ આપ્યો હતો. ઓમને મોદીએ સક્રિય અને સામાજિક કામો સાથે જોડાયેલા નેતા ગણાવ્યા હતા. ઓમની નમ્રતા અને વિવેકનો કદી કોઈ જણ દુરુપયોગ ન કરે તો સારું તેવો ડર હોવાનું કહેતાં મોદીએ જણાવ્યું હતું કે બિરલા અનુશાસનની દિશા દેખાડશે તેવો વિશ્વાસ છે. આ અવસરે પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનની પણ પ્રસંશા કરતાં કહ્યું હતું કે, તાઈએ પણ ઉત્તમ રીતે ગૃહ ચલાવ્યું.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer