આગામી મુખ્ય પ્રધાન અમારો જ શિવસેના

આગામી મુખ્ય પ્રધાન અમારો જ શિવસેના
મુંબઈ, તા. 19: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે નવો વિવાદ મુદ્દા તરીકે ઉપસી આવે તેવી એક ગતિવિધિમાં શિવસેનાએ જાહેર કર્યું છે કે રાજ્યના નવા સીએમ તેના પક્ષમાંના સભ્ય હશે. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં જણાવ્યું છે કે `તે ભાજપ સાથે યુતિ ધરાવે છે તે છતાં પક્ષની પોતાની ય એક શૈલી અને આભા છે. શિવસેના તેના સંકલ્પમાં આગળ વધી રહ્યો છે. વિધાનસભાને ભગવા રંગે રંગવાનો અમારો સંકલ્પ છે. પક્ષના પ4મા સ્થાપના દિને શિવસેનાનો સભ્ય મહારાષ્ટ્રનો સીએમ બનશે. પક્ષના આરંભથી માંડીને તેની યાત્રા સુધીની વાત કરતા સંપાદકીયમાં જણાવાયું છે કે પક્ષના મૂળ મહારાષ્ટ્રમાં મજબૂત બન્યા છે અને તેની શાખાઓ દિલ્હી સુધી ફેલાઈ છે.'
સંપાદકીયમાં જણાવાયું છે કે `પક્ષનો આત્મા ચળવળો વિશે છે, સત્તાના વિશેષાધિકારો ભોગવવા માટે નથી. સમાજ માટેની નિસ્બતનાં કારણે શિવસેના આજના દરજ્જા સુધી વિકસ્યો છે. પ. બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજી ય શિવસેનાની ભૂમિ પુત્રની નીતિ અનુસરી રહ્યા છે. દક્ષિણ ભારતના કેટલાંક રાજ્યો ય પ્રાદેશિક પ્રતિષ્ઠાનું રાજકારણ કરતા આવ્યા છે.'
મુખ્ય પ્રધાન કોણ બનશે તે નક્કી છે, વિપક્ષો ચિંતા ન કરે : ઉદ્ધવ
ભાજપ સાથે યુતિ કરી ત્યારે અમે બધી બાબતોનો વિચાર કરીને નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન કોણ બનશે એ અમે નક્કી કરી લીધું છે. તમે ચિંતા કરશો નહીં એમ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જણાવ્યું છે. શિવસેનાના 53માં સ્થાપના દિનની ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ઠાકરેએ આ વિધાન કરીને વિપક્ષો દ્વારા યુતિમાં વિખવાદ સંબંધીની ટિકાનો જડબાતોડ જવાબ આપ્યો છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer