એક રાષ્ટ્ર, એક ચૂંટણી ના મુદ્દે વડા પ્રધાન મોદી સમિતિ રચશે

એક રાષ્ટ્ર, એક ચૂંટણી ના મુદ્દે વડા પ્રધાન મોદી સમિતિ રચશે
સમયબદ્ધ સૂચનો આપવા માટે પૅનલને જણાવાશે : બેઠકમાં અનેક વિપક્ષો ગેરહાજર : યેચુરીએ પ્રસ્તાવનો કર્યો વિરોધ, નવીન પટનાયકે ટેકો દર્શાવ્યો

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : : `એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના મુદ્દે `સમયબદ્ધ સૂચનો' આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમિતિની રચના કરશે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બાદ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાના વિચારને મોટા ભાગના પક્ષોએ ટેકો આપ્યો છે. જોકે, સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી પક્ષ જેવા પક્ષો સંયુક્ત ચૂંટણીઓ યોજવાની કવાયત કેવી રીતે હાથ ધરાશે તે વિશે ભિન્ન મત ધરાવે છે, પરંતુ આ વિચારનો તેમણે વિરોધ નથી કર્યે. સૂચિત સમિતિની રચના વિશે પુછાતાં રાજનાથે કહ્યું હતું કે તે વિશે વડા પ્રધાન નિર્ણય લેશે.
જોકે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને અન્ય કેટલાક મુખ્ય પક્ષો ગેરહાજર રહ્યા હતા.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં વડા મમતા બેનરજી, તેલંગણના મુખ્ય પ્રધાન અને ટીઆરએસના વડા કે. ચંદ્રશેખર રાવ, ડીએમકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ટીડીપીના વડા એન. ચંદ્રાબાબુ નાયડુ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી વગેરે નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યાં નહોતાં, બેઠકમાં મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસ માટેના નીતિ આયોગના પ્રસ્તાવ પર ચર્ચા પણ થવાની હતી.
જોકે કૉંગ્રેસના સાથી પક્ષ એનસીપીના વડા શરદ પવાર, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક, બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી, નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબદુલ્લા, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંઘ બાદલ, પીડીપીના નેતા મેહબૂબા મુફ્તી, તેમ જ એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઔવેસી આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. સીપીઆઈ (એમ)ના મહામંત્રી સીતારામ યેચુરીએ આ બેઠકમાં હાજરી આપ્યા બાદ જણાવ્યું હતું કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાનો તેમનો પક્ષ વિરોધ કરે છે. આવું કરવું સ્વાયતત્તાની વિરુદ્ધનું અને લોકશાહીની વિરુદ્ધનું પગલું છે અને તે સંસદીય લોકતાંત્રિક વ્યવસ્થાનાં મૂળ પર ઘા કરે છે. સુપરત કરાયેલી નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે સરકારે વિધાનમંડળને જવાબદાર રહેવું પડશે.
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે જણાવ્યું હતું કે, દેશ અને દેશના લોકોનાં હિતમાં કંઈ પણ કરવામાં આવે તેને અમારો ટેકો હોય છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેમણે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં `અહિંસા'ના વિચારને સામેલ કરવાનું સૂચન કર્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે  વારંવાર યોજાતી ચૂંટણીઓથી વિકાસની ગતિ મંદ પડે છે અને તેનાથી સરકારી સમવાયવાદની ભાવનાને હાનિ પહોંચે છે. બીજેડી `વન નેશન વન ઇલેક્શન'ના વિચારને સંપૂર્ણ ટેકો આપે છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer