કસ્ટોડિયલ ડેથનો કેસ : સંજીવ ભટ્ટ સહિત બે જણને આજીવન કેદ

કસ્ટોડિયલ ડેથનો કેસ : સંજીવ ભટ્ટ સહિત બે જણને આજીવન કેદ
અમારા પ્રતિનિધિ તરફથી
જામનગર/અમદાવાદ, તા. 20:  ગુજરાતભરમાં ચકચાર જગાવનાર જામનગર જિલ્લાના જામજોધપુરના ત્રણ દાયકા પહેલાના કસ્ટોડિયલ ડેથના બનાવમાં સસ્પેન્ડેડ આઇપીએસ સંજીવ ભટ્ટ અને તત્કાલીન પોલીસમેન પ્રવીણસિંહ ઝાલાને જામનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા કરી હતી. જયારે અન્ય પાંચને બે-બે વર્ષની કેદની સજા કરી હતી.
ત્રણ દાયકા પહેલા 1990ની સાલમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રાના સમયે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.30 ઓકટોબર 1990ના રોજ અપાયેલા બંધના એલાન વખત કર્ફયુ લગાડવામાં આવ્યો હતો. આ સમયે જામનગરમાં ફરજ બજાવતાં આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત પોલીસ સ્ટાફ બંદોબસ્ત માટે જામજોધપુર ગયો હતો. કર્ફયુના ભંગ અંગે 133 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખસોને પોલીસે મારકૂટ કરી હતી. આ પકડાયેલા શખસોમાં વેપારી પ્રભુલાલ માધવજીભાઇ વૈશ્નાની અને તેના ભાઇ રમેશનો સમાવેશ થતો હતો. જામીન મળ્યા બાદ બન્ને ભાઇ  પ્રભુલાલ -રમેશભાઇ વૈશ્નાની ઘેર પહોંચ્યા હતાં અને તેને કિડનીમાં તકલીફ થઇ હતી. તેમના ભાઇ  અમૃતભાઇ/ અમુભાઇ સહિતના પરિવારજનોએ બન્નેને રાજકોટની ગોંદિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જયાં તા. 18-11-90 ના રોજ પ્રભુલાલનું મૃત્યુ નિપજ્યું હતું. બાદમાં મૃતકભાઇ અમૃતભાઇ/ અમુભાઇ વૈશ્નાનીએ આઇપીએસ સંજીવ ભટ્ટ, પીએસઆઇ શૈલેષ પંડયા તથા પોલીસ કર્મચારી પ્રવીણસિંહ ઝાલા, દીપક શાહ, પ્રવીણસિંહ જેઠવા, અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજા સામે તેના ભાઇને મારકૂટ કરીને  ખૂન કરવાના આરોપસરની ફરિયાદ નોંધાવી હતી. એ પછી આ બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ હતી. આ કેસ અંગે સુપ્રિમ કોર્ટ સુધીની  લાંબી કાનૂની લડત થઇ હતી. સુપ્રિમ કોર્ટે તા. 20 જુન 19 સુધીમાં કેસ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન પાંચ હજાર પાનાનું ચાર્જશીટ અને એક હજાર દસ્તાવેજી પુરાવા રીફર કરાયા હતાં અને 32 સાહેદની જુબાની લેવામાં આવી હતી.  આ કેસનો આજે ચુકાદો હોવાથી જામનગરની સેશન્સ કોર્ટમાં ફરિયાદી અમુભાઇ વૈશ્નાની, જામજોધપુરના પોલીસ દમનનો ભોગ બનેલી વ્યકિતઓ અને સસ્પેન્ડેડ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત સાત આરોપીને પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા હતાં. જામનગરના મુખ્ય જિલ્લા ન્યાયધીશ ડી.એમ. વ્યાસે સંજીવ રાજેન્દ્રભાઇ ભટ્ટ, પ્રવીણસિંહ બાબુભા ઝાલાને આજીવન કેદ અને અન્ય પાંચને બે-બે વર્ષની કેદ અને રૂ. 10-10 હજારના દંડની સજા કરી હતી.
Published on: Fri, 21 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer