અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશના 7/262

અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશના 7/262
મુશફકીરના 83 અને શકિબના 51 રન : અફઘાનિસ્તાનના મુજીબને 3 વિકેટ

સાઉથમ્ટન, તા.24: વર્લ્ડ કપના આજના મેચમાં અફઘાનિસ્તાન સામે બંગલાદેશ 50 ઓવરના અંતે 7 વિકેટે 262 રનનો પડકારરૂપ સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. બંગલાદેશ તરફથી વિકેટકીપર-બેટસમેન મુશફકીર રહીમે સૌથી વધુ 83 રન કર્યાં હતા. જયારે સ્ટાર ઓલરાઉન્ડર શકિબ અલ હસને વધુ એક અર્ધસદી (51) કરી હતી. અફઘાનિસ્તાન તરફથી યુવા સ્પિનર મુજીબ ઉર રહેમાને 3 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાનના સુકાની ગુલબદિન નૈબે ટોસ જીતને સાહસિક નિર્ણય લઇને ફિલ્ડીંગ પસંદ કરી હતી. લિટન દાસ (16) સસ્તામાં આઉટ થયા બાદ તમિમ ઇકબાલ (36) અને શકિબ (51) વચ્ચે બીજી વિકેટમાં 59 રનની ભાગીદારી થઇ હતી. શકિબ 69 દડામાં ફકત 1 ચોકકાની મદદથી 51 રને મુજીબનો શિકાર બન્યો હતો. આ પછી મુશફકીર રહીમે બંગલાદેશની ઇનિંગમાં એન્કર રોલ ભજવીને એક છેડો સાચવી રાખ્યો હતો. તે છેક 49મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 87 દડાની સંભાળપૂર્વકની ઇનિંગમાં 4 ચોકકા અને 1 છકકો લગાવ્યો હતો અને 83 રન બનાવ્યા હતા. આ સિવાય મહમદુલ્લાએ 27 રન કરીને પાંચમી વિકેટમાં 56 રનની ભાગીદારી કરવામાં મુશફકીરને સહયોગ આપ્યો હતો. મોસાડક હુસેને 24 દડામાં 4 ચોકકાની મદદથી 35 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આથી 50 ઓવરના અંતે બંગલાદેશના 7 વિકેટે 262 રન બન્યા હતા. જેથી રોઝ બાઉલની ધીમી વિકેટ પર અફઘાનિસ્તાનને જીત માટે 263 રનનું ચુનૌતિપૂર્ણ વિજય લક્ષ્યાંક મળ્યું હતું.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer