ત્રણ વર્ષ બાદ આજે ટૅક્છસીનાં ભાડાં વધારાનો નિર્ણય

ત્રણ વર્ષ બાદ આજે ટૅક્છસીનાં ભાડાં વધારાનો નિર્ણય
લેવાય એવી સંભાવના
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ટૅક્છસીનાં ભાડાં ત્રણ વર્ષથી વધ્યાં નથી,  પરંતુ સીએનજીના દર અૉગસ્ટ 2017થી પાંચ વાર વધ્યા હોવાથી ટૅક્છસીના દર વધારવાની બૉમ્બે ટૅક્છસી યુનિયને માગણી કરી છે. આ માગણીની ચર્ચા કરવા આજે મંત્રાલયમા પરિવહન આયુક્ત, પરિવહન સચિવ, મુંબઈ ટૅક્છસીમૅન યુનિયન અને ગ્રાહક પંચાયતના પ્રતિનિધિઓની બેઠક મળશે અને આમાં કાળી-પીળી ટૅક્છસીવાળાનું લઘુતમ ભાડું બાવીસ રૂપિયાને બદલે 25 રૂપિયા કરવાની માગણી પર વિચાર કરાશે. શુક્રવારે પણ પરિવહન સચિવ આશીષ સિંહ, પરિવહન આયુક્ત શેખર ચન્ને, ટૅક્છસીમૅન યુનિયનના મહામંત્રી એ. એલ. ક્વોડ્રોસ, મુંબઈ ગ્રાહક પંચાયતના અધ્યક્ષ શિરીષ દેશપાંડે અને બીજા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અગાઉ યુનિયને 31 મેએ લઘુતમ ભાડું 30 રૂપિયા કરવાની માગણી કરતો  પત્ર સુપરત કર્યો હતો, પરંતુ શુક્રવારની બેઠકમાં યુનિયને પોતાનું વલણ બદલીને લઘુતમ ભાડું 25 રૂપિયા રાખવાની વિનંતી કરી હતી. 
યુનિયનના મહામંત્રી એ. એલ. ક્વોડ્રોસે આ સંવાદદાતાને કહ્યું હતું કે બેસ્ટે પાંચ કિલોમીટરનું ભાડું ફક્ત પાંચ રૂપિયા કરવાની યોજના જાહેર કરી છે. આને ધ્યાનમાં રાખતાં અને હરીફાઈમાં ટકી રહેવા અમે લઘુતમ ભાડું 30ને બદલે 25 રૂપિયા કરવાનું વલણ લીધું છે. જો બેસ્ટ ખરેખર તેનાં ભાડાં ઘટાડશે તો અમારે પણ શૅરે ટૅક્છસીના રૂટ અને ભાડાં અંગે વિચાર કરવો પડશે. આ રૂટ પર ભાડાં ઘટાડવાથી અમારે માટે ધંધો કરવો વ્યવહારુ નહીં રહે. શહેરમાં શૅરે ટૅક્છસીના 65 રૂટ છે. બેસ્ટને પણ આ નવા દર પરવડે એમ નથી, પરંતુ તેને પાલિકાનું પીઠબળ છે. જોકે, તેમણે કહ્યું હતું કે અમે થોભો અને રાહ જુઓ નીતિ અપનાવીશું, કારણ કે બેસ્ટની બસ સમયની બાબતમાં નિયમિત નથી. 
હકીકતમાં હકીમ કમિટીના રિપોર્ટ પ્રમાણે ભાડું 27 રૂપિયા હોવું જોઈએ. જોકે, અગાઉ યુનિયને છુટ્ટાની તકલીફનું કારણ આગળ ધરીને 30 રૂપિયાની માગણી કરી. હવે યુનિયને 25 રૂપિયાની માગણી કરી છે. 
મુંબઈ ગ્રાહક પંચાયતે શુક્રવારની બેઠકમાં ટૅક્છસીવાળાના ભાડાવધારાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. ગ્રાહક પંચાયતના વડા ઍડવોકેટ  શિરીષ દેશપાંડેએ કહ્યું હતું કે હકીમ સમિતિને ભૂલી જાઓ. હવે ખટુઆ સમિતિની ભલામણોનો અમલ થવો જોઈએ. જો કાળી-પીળી ટૅક્છસીવાળાએ ઓલા-ઉબેરની હરીફાઈમાં ટકી રહેવું હોય તો  ભાડાવૃદ્ધિને બદલે ભાડાંમાં અમુક સમયગાળા પ્રમાણે છૂટ આપવી જોઈએ. ખટુઆ સમિતિની ભલામણો પ્રમાણે બપોરના બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યાના સમયગાળા (હેપી અવર્સ)માં 15 ટકા ડિસ્કાઉન્ટ અને લાંબા રૂટના ભાડાંમાં ટેલિસ્કોપિક કન્સેશન આપવું જોઈએ. આ પ્રમાણે આઠ કિલોમીટર સુધી લઘુતમ  ભાડું, આઠથી 12 કિલોમીટર સુધી 15 ટકા છૂટ અને 12 કિલોમીટરથી વધારે 20 ટકા છૂટ આપવી જોઈએ. 
આજની બેઠક બાદ યુનિયનની માગણીનો રિપોર્ટ ટ્રાન્સપોર્ટ  મિનિસ્ટરને મોકલવામાં આવશે અને સરકાર આ અંગે નિર્ણય લેશે.
Published on: Tue, 25 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer