બિગ બીના શૂટિંગ સ્થળે ઊમટી પડયા ઉત્તર પ્રદેશવાસીઓ

બિગ બીના શૂટિંગ સ્થળે ઊમટી પડયા ઉત્તર પ્રદેશવાસીઓ
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ `ગુલાબો સીતાબો'નું શૂટિંગ ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરી રહ્યા છે. સૂજિત સરકારની આ ફિલ્મ ઉત્તર પ્રદેશના લખનઊ શૂટ થઈ રહી છે અને ત્યાંના લોકો શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
જોકે, અમિતાભે છેલ્લા થોડા સમયથી ઉત્તર પ્રદેશમાં શૂટિંગ કર્યું નથી, એટલે પણ અહીં તેમની હાજરી અને ફિલ્મનું શૂટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ સમગ્ર શૂટિંગ દરમિયાન ઉચ્ચ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઉપરાંત જે હૉટેલમાં બિગ બી રોકાયા છે ત્યાં પણ સુરક્ષાકર્મીઓ તૈનાત છે. શૂટિંગ કૈસરબાગના એક મેન્શનમાં શરૂ થયું હતું, પરંતુ જ્યારે ખબર પડી કે અમિતાભ શૂટિંગ કરી રહ્યા છે ત્યારે બીજા દિવસે લોકોની ભીડ ઊમટી પડી અને શૂટિંગમાં વિલંબ થયો હતો. ત્યારબાદ શૂટિંગના સ્થળે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ અગાઉ બિગ બી અને સૂજિતે `પીકુ' અને હજુ સુધી રિલીઝ ન થયેલી ફિલ્મ `જોની મસ્તાના'માં સાથે કામ કર્યું છે. ફિલ્મમાં અમિતાભ સાથે આયુષમાન ખુરાના પણ જોવા મળશે. નોંધનીય છે કે ફિલ્મમાં અમિતાભ એક વૃદ્ધ મકાનમાલિકના યુનિક લૂકમાં જોવા મળશે અને તાજેતરમાં જ તેમના આ લૂકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer