બેટિંગની રણનીતિ બગડી મોર્ગન

બેટિંગની રણનીતિ બગડી મોર્ગન
લંડન, તા.26: ઇંગ્લેન્ડના સુકાની ઇયાન મોર્ગનનું માનવું છે કે તેની ટીમ બેટિંગ રણનીતિ પર કાયમ રહી શકી નહીં, આથી પાછલા બે મેચમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે સતત બે મેચમાં હાર સહન કરવી પડી. જેથી ખિતાબની પ્રબળ દાવેદાર ઇંગ્લેન્ડની ટીમની સેમિ ફાઇનલની રાહ મુશ્કેલ બની છે. ઇંગ્લેન્ડની ટીમ આ પહેલા સરજમીં પર છેલ્લે 2015માં સતત બે મેચમાં હાર મેળવી હતી. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે 20 રને ઓસ્ટ્રેલિયા સામે 64 રને હાર્યું છે. ઓસ્ટ્રેલિયાના 7 વિકેટે 285 રનના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 221 રનમાં ઢેર થઇ ગઇ હતી. 
આ આંચકારૂપ પરાજય બાદ ઇંગ્લીશ કેપ્ટન મોર્ગને કહયું કે અમે બેટિંગ મોરચે રણનીતિનો અમલ કરી શકયા નહીં, આવી જ સ્થિતિ શ્રીલંકા સામે સર્જાઇ હતી. લંકા સામે 230 રનનો અને ઓસ્ટ્રેલિયા સામે 285 રનનો લક્ષ્ય હાંસલ ન કરી શકવો નિરાશાજનક છે. આ મેચથી અમને ઘણું શિખવાનું મળ્યું. અમે ભુલો કરી. જે બાકીના બે મેચમાં સુધારવી પડશે. મોર્ગને સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયાના બોલરોએ સારી બોલિંગ કરી. તેમને જીતનો શ્રેય મળે છે.
વિશ્વ કપ અમારો છે : સ્ટોકસનો લલકાર
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલઆઉન્ડર બેન સ્ટોકસે તેની ટીમની સતત બે હાર છતાં કહ્યું છે કે અમે સેમિ ફાઇનલમાં જરૂર પહોંચશું. વર્લ્ડ કપ અમારો છે. અમે વિશ્વાસ ગુમાવ્યો નથી. અમે થોડા નિરાશ જરૂર છીએ. દરેક ખેલાડી બાકીના બે મેચમાં વિજયમાં યોગદાન આપવાનો જુસ્સો ધરાવે છે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer