પાકિસ્તાન વિજયના આરે

પાકિસ્તાન વિજયના આરે
બર્મિંગહામ, તા.26: ડીપ મીડલઓર્ડરના બેટસમેન જેમ્સ નિશમ અને કોલિન ડિ' ગ્રેંડહોમની બેસ્ટ રેસક્યૂ ઇનિંગની મદદથી શરૂઆતના ધબડકા બાદ પાકિસ્તાન સામેના આજના મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરના અંતે 6 વિકેટે 237 રનનો પડરારરૂપ સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. જેમ્સ નિશમ 97 રને અણનમ રહયો હતો. જયારે ગ્રેંડહોમે 64 રનની ઇનિંગ રમી હતી. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 132 રનની સંકટમોચન ભાગીદારી થઇ હતી. વિશ્વ કપમાં પાકિસ્તાન માટે સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા કિવિઝ સામે હરહાલમાં જીત જરૂરી છે. તેને એજબેસ્ટનની ધીમી વિકેટ પર જીત માટે 238નું વિજય લક્ષ્યાંક મળ્યું છે. છેલ્લો સ્કોર મળ્યો ત્યારે પાકિસ્તાને 35 ઓવરમાં ત્રણ વિકેટે 142 રન કર્યા હતા. તેને જીત માટે 90 બૉલમાં 93 રન કરવાના બાકી હતા. આજના મેચમાં પાક. તરફથી ઝડપી બોલર શાહિન અફ્રિદીને 3 વિકેટ લીધી હતી. ભીના મેદાનને લીધે મેચ એકાદ કલાક મોડી શરૂ થઈ હતી.
ટોસ જીતીને પહેલો દાવ લેનાર ન્યુઝીલેન્ડની શરૂઆત કંગાળ રહી હતી. 13 ઓવરની અંદર 46 રનમાં ગુપ્ટિલ (પ), મૂનરો (12), ટેલર (3) અને લાથમ (1)ની વિકેટ ગુમાવી દીધી હતી. સુકાની કેન વિલિયમ્સને 69 દડામાં 4 ચોકકાથી 41 રનની લડાયક ઇનિંગ રમી હતી, પણ તે 27મી ઓવરમાં આઉટ થયો હતો. ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 83 રન હતો. આથી પાક. માટે મેચ પર સંપૂણ વર્ચસ્વ જમાવવાની અદભૂત તક હતી, પણ છઠ્ઠા ક્રમના જેમ્સ નિશમ અને સાતમા ક્રમના ગ્રેંડહોમે પાક. ટીમ પર હાવી થઇને અદભૂત બેટિંગ કરી હતી. જોતજોતામાં આ બન્નેએ કિવિનો સ્કોર 200 ઉપર પહોંચાડી દીધો હતો. બન્ને વચ્ચે સાતમી વિકેટમાં 132 રનની સંકટમોચન ભાગીદારી બની હતી. 48મી ઓવરમાં ગ્રેંડહોમ 71 દડામાં 6 ચોક્કા અને 1 છક્કાથી શાનદાર 64 રન કરીને રનઆઉટ થયો હતો. જયારે નિશમ તેની કેરિયરની શ્રેષ્ઠ ઇનિંગ રમીને 97 રને અણનમ રહ્યો હતો. તેણે 112 દડાની ઇનિંગમાં પ ચોક્કા અને 3 છક્કા માર્યાં હતા. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer