વધુ એક જીતના ઇરાદે ઉતરશે વિરાટસેના

વધુ એક જીતના ઇરાદે ઉતરશે વિરાટસેના
આજે વિન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાએ, જો કે સાવધ રહેવું પડશે : ધોનીના અભિગમ પર નજર રહેશે : પંતને ક્યારે તક મળશે ?

માન્ચેસ્ટર, તા. 26 : ટીમ ઇન્ડિયા આવતીકાલે અહીં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં સ્થાન પાકું કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. પ્રતિભા, સંતુલન અને હાલના ફોર્મને જોતાં ભારત ફેવરિટ છે પણ વિન્ડિઝ પાસે મેચનું પાસું પલટી નાખતા ખેલાડીઓ હોવાથી વિરાટસેનાએ સાવધ રહેવું પડશે.
અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીની ધીમી બેટિંગની મહાન સચિન તેંડુલકરે ટીકા કરી હતી અને માહીના પ્રશંસકોએ સચિનને ટ્રોલ પણ કર્યો હતો ત્યારે આવતીકાલે ધોનીના અભિગમ અને તેના પર નજર રહેશે.
ઇજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને ભારતીય ટીમમાં પ્રતિભાશાળી રિષભ પંતનો સમાવેશ કરાયો હતો પણ ટીમ મેનેજમેન્ટ હજુ સુધી તેને અંતિમ ઇલેવનમાં રમાડવા ઇચ્છુક દેખાયું નથી ત્યારે આવતીકાલે ઓલરાઉન્ડર વિજય શંકરને રમાડાય છે કે પંતને તક અપાય છે એ જોવાનું છે. ભુવનેશ્વર કુમાર ધીમે ધીમે ફિટ?થઇ રહ્યો છે પણ હજી તેને રમાડાય તેવી શક્યતા છે. તેના સ્થાને સમવાયેલા મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે શાનદાર બોલિંગ કરીને હેટ્રિક લીધી હતી. ક્રિસ ગેલ વિ. જસપ્રિત બુમરાહની ટક્કર પણ રસપ્રદ રહેશે. આંદ્રે રસેલ સમગ્ર વર્લ્ડકપમાંથી બહાર થઇ જતાં વિન્ડિઝને ફટકો પડયો છે પણ ટીમમાં શેઇ હોપ, હેટમાયર જેવા સારા બેટધરો તથા શેલ્ડન કોટરેલ અને થોમસ જેવા ઝડપી બોલરો છે. ન્યૂઝીલેન્ડ સામેની ગત
મેચમાં કાર્લોસ બ્રેથવેઇટે યાદગાર સદી ફટકારી વિન્ડિઝને જીતાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.
ભારત હાલ 9 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને આવતીકાલે વિજય સાથે તે સેમિફાઇનલ ભણી કૂચ કરશે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, એમ. એસ. ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
વેસ્ટ ઇન્ડિઝ : જેસન હોલ્ડર, ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેઈટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ, નર્સ, નિકોલસ પુરન, કેમર રોશ, આન્દ્રે રસેલ, થોમસ.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer