એશિયામાં નરમાઈ સામે નિફ્ટી 51 પોઇન્ટ સુધર્યો

એશિયામાં નરમાઈ સામે નિફ્ટી 51 પોઇન્ટ સુધર્યો
એફઍન્ડઓ પૂર્વે સુલટાવાતા ઓળિયા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : શૅરબજારમાં એફઅન્ડઓ એક્સ્પાયરી અગાઉ એનએસઈમાં નિફ્ટી 51 પોઇન્ટ વધીને 11,847.55ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક શૅરબજારમાં મિશ્ર વલણ સામે સ્થાનિકમાં બીએસઈ સેન્સેક્ષ 157 પોઇન્ટના સુધારા સાથે 39,592ના સ્તરે બંધ રહ્યો હતો. આજે મુખ્યત્વે મેટલ, પીએસયુ-ખાનગી બૅન્ક, ફાર્મા સહિતના મોટા ભાગના ક્ષેત્રીય ઇન્ડેક્સ 0.50થી 3 ટકા સુધી વધ્યા હતા. આઈટી-એફએમસીજી ઘટાડે બંધ હતા. આંતરરાષ્ટ્રીય ક્રૂડતેલનો (બ્રેન્ડ) બેરલ દીઠ વધીને 66 ડૉલરે ક્વોટ થવાથી રિફાઇનિંગ ક્ષેત્રે પુન: દબાણથી તેજી રૂંધાશે. જોકે, એફઍન્ડઓ ખેલાડીઓના આજે સટ્ટાકીય લેણ-વેચાણના ઓળિયા સુલટાવાનું શરૂ થવાથી ધીમી વધઘટે બજાર સુધર્યું હતું.
આજે બીએસઈમાં મિડકેપ ઇન્ડેક્સ 117 પોઇન્ટ અને સ્મોલકેપ 66 પોઇન્ટ વધ્યો હતો. નિફ્ટીના અગ્રણી શૅરોમાંથી 32 સુધરવા સામે 18 ઘટીને બંધ રહ્યા હતા. આજના સુધરતાં બજારમાં એસબીઆઈ લાઇફ વર્ષની ઊંચાઈએ રૂા. 715 ક્વોટ થયો હતો. જેની વિરુદ્ધ દીવાન હાઉસિંગ 9 ટકા તૂટીને રૂા. 68.70 બંધ હતો.
આજના સુધારામાં અગ્ર રહેનાર મેટલ શૅરમાં તાતા સ્ટીલ રૂા. 12, વેદાન્ત રૂા. 7, જેએસડબ્લ્યુ રૂા. 10, બૅન્કિંગમાં એક્સિસ રૂા. 7, આઈસીઆઈસીઆઈ રૂા. 5, યસ બૅન્ક રૂા. 3, ફાર્માસેક્ટરમાં સનફાર્મા રૂા. 14, સીપ્લા રૂા. 6, યુપીએલ રૂા. 23, અન્ય ક્ષેત્રવાર શૅર્સમાં એચડીએફસી રૂા. 39, ગ્રાસીમ રૂા. 17, એલઍન્ડટી રૂા. 16, બજાજ અૉટોમાં રૂા. 25નો સુધારો નોંધાયો હતો. જેની સામે ઘટનાર શૅરમાં મારુતિ સુઝુકી રૂા. 42, ઇન્ફોસીસ રૂા. 9, બ્રિટાનિયા રૂા. 74, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 15 ઘટયા હતા.
શૅરબજાર અનુભવીઓના જણાવ્યા પ્રમાણે અત્યારે બજારમાં અતિ મહત્ત્વપૂર્ણ કન્સોલીડેશનનો તબક્કો ચાલુ છે. મોટા હેજફંડો અને સ્થાનિક સંસ્થાકીય તીવ્ર લેણ-વેચાણ વચ્ચે રોજિંદા ટ્રેડરો માટે સંયમ પામવો હિતાવહ રહેશે. આવતી કાલે એફઍન્ડઓ એક્સપાયરી હોવાથી 11,955નું રેસીસ્ટન્ટ લેવલ અતિ મહત્ત્વપૂર્ણ બનશે એમ ટેક્નિકલી જાણકારોએ જણાવ્યું છે. નીચેમાં 11,750 નીચે આગળ ઉપર 11,600ની સંભાવના બનશે.
એશિયન બજાર
અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવમાં સતત અનિશ્ચિત સ્થિતિ સાથે ચીનની કડક નીતિને લીધે એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. ક્રૂડતેલમાં પુન: સુધારા વચ્ચે ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 6 પોઇન્ટ અને જપાનમાં નિક્કી 107 પોઇન્ટ ઘટયો હતો. માત્ર હૉંગકૉંગમાં હેંગસેંગ સામાન્ય 36 પોઇન્ટ સુધારે હતો.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer