રદ્દી-પસ્તીના ભાવ ધૂમ આયાતના પગલે ઘટતા જાય છે

રદ્દી-પસ્તીના ભાવ ધૂમ આયાતના પગલે ઘટતા જાય છે
સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 26 : વિદેશી રદ્દી-પસ્તીની ધૂમ આયાતને પગલે સ્થાનિક પસ્તીના ભાવ ઘટી રહ્યા છે. ગયા મહિને રદ્દી-પસ્તીનો મિલ પહોંચનો ભાવ પ્રતિકિલોએ રૂા. 11.50થી 12 જેવો હતો તે ઘટીને હવે રૂા. 10.50-11, જ્યારે છૂટકનો રૂા. 8થી ઘટીને રૂા. 7 થયો છે.
કોરૂગેટેક શીટનો મિલ પહોંચનો ભાવ રૂા. 10.50-11થી ઘટીને રૂા. 8-8.50 જ્યારે છૂટકમાં રૂા. 5-5.50 થયો છે. બિલબૂક પિક્ચરની ટિકિટ જેવા કલર પેપરનો પ્રતિ કિલો ભાવ રૂા. 3-4 જેવો છે. વેપારીઓ ભાવઘટાડા માટે વિદેશી સસ્તી રદ્દી-પસ્તી આયાત જવાબદાર હોવાનું કહે છે.
મુંબઈમાં ન્યૂઝપેપરની રદ્દી, પુસ્તકો, પ્રિન્ટિંગ પ્રેસના પેપર કટિંગ-અૉફિસ સ્ટેશનરી, હોટેલના ચાના કપ તથા અન્ય મળીને દૈનિક 1000-1500 ટન તથા રસ્તાનો લગભગ 300 ટન કાગળનો કચરો નીકળે છે.
આપણે ત્યાં 98 ટકા પેપર મિલો રિસાયક્લિંગનું કામ કરે છે. પોતાના જંગલ ધરાવતી અને તેનાં વૃક્ષોમાંથી માવો (પલ્પ) તૈયાર કરીને તેમાંથી કાગળ બનાવતી મિલો માત્ર બે ટકા જ છે. મહારાષ્ટ્રમાં નાશિક, સાતારા, સાંગલી, ઔરંગાબાદ, નાગપુરમાં કાગળની મિલો છે.
અમેરિકા તથા યુરોપમાં લેન્ડફિલિંગમાં કાગળના વપરાશ પર પ્રતિબંધ હોવાથી આપણે ત્યાં ઓછા ભાવની રદ્દી-પસ્તીની 70થી 140 ડૉલરના ભાવે ધૂમ આયાત કરાય છે. પરિણામે દિન-પ્રતિદિન સ્થાનિક રદ્દી-પસ્તીની માગ ઘટી રહી છે અને તેની અસર રદ્દી-પસ્તીના ભાવ પર થઈ રહી છે.
વધુમાં સસ્તી વિદેશી આયાતને કારણે રદ્દી-પસ્તીનું રિસાયકલિંગ ઘટતું જાય છે. માવામાંથી કાગળ બનાવતી મિલો પાસે અૉર્ડર ઓછા થઈ રહ્યા હોવાથી તેમનું કામકાજ ઘટી રહ્યું છે અને આગામી સમયમાં હજી ઘટશે ધારણા છે.
માહિમ-ધારાવીના રદ્દી-પસ્તીના અગ્રણી વેપારી ઉપેન્દ્રભાઈ જાનીનું કહેવું છે કે પેપર મિલોમાં જતો સ્થાનિક કચરો 3થી 4 દિવસ સુધી ગાડીમાંથી ઉતારાતો નથી, એ પણ વિચારવા જેવી બાબત છે. વધુમાં મિઠાઈ, ઔષધિઓ અને કાપડના પૅકિંગ માટે વપરાતાં બૉક્સ વગેરે રિસાઇકલ થયેલા કાગળમાંથી બને છે.
લેન્ડફિલિંગ માટે આવતા વેસ્ટમાં 15 ટકા હિસ્સો ટેટ્રાપેકનો હોય છે. આપણી પાસે સારા પ્રમાણમાં રદ્દી હોવા છતાં આપણે અમેરિકાથી તેની આયાત કરીએ છીએ. જો આમ જ આયાત ચાલુ રહેશે તો પર્યાવરણ વધુ દૂષિત થશે.
આ બધાં પરિબળોને કારણે દેશનો રદ્દી-પસ્તીનો ધંધો તથા પલ્પ બનાવતી મિલોનું કામકાજ બંધ થવા તરફ જઇ રહ્યું છે.
ઉપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાથી ઓછા ભાવની રદ્દી આયાત કરીને તેમાંથી કાગળ બનાવીને ચીનમાં નિકાસ કરાય છે.
રદ્દી-પસ્તીના સ્થાનિક વેપાર અને મિલોને મૃત:પ્રાય થતાં અટકાવવા માટે સરકારે વિદેશથી સસ્તી રદ્દી-પસ્તીની આયાત પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવું બજારનાં સૂત્રોનું જણાવવું છે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer