જાહેર ક્ષેત્રની 19 કંપનીઓને બંધ કરવા મળી મંજૂરી

જાહેર ક્ષેત્રની 19 કંપનીઓને બંધ કરવા મળી મંજૂરી
નવી દિલ્હી, તા.26 : કેન્દ્ર સરકારે એચએમટી, હિંન્દુસ્તાન કેબલ્સ, ઇન્ડિયન ડ્રગ્સ સમાવિષ્ટ સરકાર હસ્તક 19થી વધુ કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી છે. આ દરેક કંપનીઓ ખોટ કરી હોવાનું સરકારે કૉંગ્રેસના લોકસભાના સાંસદ અદૂર પ્રકાશના સવાલના જવાબમાં કહ્યું હતું. 
પ્રકાશે સરકાર હસ્તક કંપનીઓની માહિતી ભારે ઉદ્યોગ અને જાહેર એકમોના મંત્રાલય પાસે માગતા પૂછ્યું કે સરકાર ખોટ કરતી કંપનીઓને બંધ કરશે કે ખાનગીકરણ કરશે કે નહીં? 
આ વિશે કેન્દ્રના ભારે ઉદ્યોગ અને જાહેર એકમોના પ્રધાન અરવિંદ સાવંતે માહિતી આપતા કહ્યું કે, 19 કંપનીઓને બંધ કરવાની પ્રક્રિયા ચાલુ છે. તુંગભદ્રા સ્ટીલ પ્રોડકટ્સ લિ., એચએમટી વોચિઝ લિ., એચએમટી ચિનાર વોચિઝ લિ., એચએમટી બેરિંગ્સ લિ., હિન્દુસ્તાન કેબલ્સ લિ., એચએમટી લિ.નું ટ્રેકટર યુનિટ અને ઈન્સ્ટુમેન્ટલ લિ.ના કોટા યુનિટને બંધ કરવાની મંજૂરી સરકારે આપી છે. 
આ સાથે શિપિંગ મંત્રાલય અંતર્ગત આવતી કેન્દ્રિય અંતર્દેશીય જળ પરિવહન નિગમ લિ. પણ ખોટમાં છે. ફાર્માસ્યુટિકલ વિભાગની ઇન્ડિયન ડ્રગ્સ અને રાજસ્થાન ડ્રગ્સ ઍન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિ.ને પણ બંધ કરવાની સરકારે મંજૂરી આપી છે. ઉપરાંત, પેટ્રોલિયમ, પર્યાવરણ, રેલ મંત્રાલય અંતર્ગત આવતી કંપનીઓનો પણ સમાવેશ આ યાદીમાં થાય છે. 
પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયની આઈઓસીએલ-ક્રેડા બાયોફ્યૂલ્સ લિ., ક્રેડા એચપીસીએલ બાયોફ્યૂલ્સ લિ., પર્યાવરણ-વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ વન અને વૃક્ષારોપણ વિકાસ નિગમ લિ., પોર્ટ બ્લેયર. રેલ મંત્રાલય અંતર્ગત આવતી ભારત વેગન ઍન્ડ એન્જિનિયરિંગ કંપની લિ. અને બર્ન સ્ટાન્ડર્ડ કંપની લિ. ઉપરાંત રસાયણી અને પેટ્રો રસાયણ વિભાગની સીએનએ/ એન 2 ઓ 4 પ્લાન્ટ ઉપરાંત હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિ.ની રસાયણી એકમમાં દરેક એકમોના સંચાલનને બંધ કરવામાં આવશે. કાપડ મંત્રાલયની નેશનલ જૂટ મેન્યુફેક્ચરર્સ કોર્પો. લિ. અને બડર્સ જૂટ ઍન્ડ એક્સપોર્ટ લિ. જ્યારે વાણિજ્ય વિભાગની એસટીસીએલ લિ.ને બંધ કરવા માટે મંજૂરી મળી છે.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer