સોનામાં તેજીથી રિટેલ ઘરાકી તૂટવાનો ભય, માગ ઘટશે જીજેસી

સોનામાં તેજીથી રિટેલ ઘરાકી તૂટવાનો ભય, માગ ઘટશે જીજેસી
તહેવારોની મોસમમાં સોનાના ઊંચા ભાવ બાધારૂપ બનશે

મુંબઈ, તા. 26 : આ વર્ષ દરમિયાન ભારતમાં સોનાની માગ 10 ટકા જેટલી ઘટવાની ધારણા છે. સોનામાં વિક્રમી તેજીના કારણે દેશમાં રિટેલ ઘરાકી ઉપર અસર પડી છે. આગામી તહેવારોની મોસમમાં સોનાની રિટેલ માગ ઘટવાની ધારાણા અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ વ્યક્ત કરી છે.
ભારતમાં સોનાનો ભાવ સપ્તાહના પ્રારંભે છ વર્ષની ટોચે પ્રતિ 10 ગ્રામ રૂા. 34,500ની ઉપર પહોંચ્યો હતો. ગ્રાહકો આટલા ઊંચા ભાવે ખરીદી કરવાનું સામાન્યપણે ટાળતાં હોવાથી રિટેલ ઘરાકીને માઠી અસર પડે છે, એમ જીજેસીના ચૅરમૅન અનંત પદ્મનાભને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર અને અમેરિકા-ઈરાન વચ્ચે રાજકીય સંબંધો બગડતાં સલામત રોકાણ ગણાતા સોનામાં વૈશ્વિક સ્તરે ભારે તેજી આવી છે, પરિણામે ભારતમાં 24 કૅરેટનો પ્રતિ 10 ગ્રામ ભાવ રૂા. 34,500ની નજીક પહોંચ્યો છે. આ સ્થિતિ ભારતીય ગ્રાહકો માટે પ્રતિકૂળ માનવામાં આવે છે, તેથી ગત વર્ષની તુલનાએ ભારતમાં સોનાની માગ 10 ટકા ઘટશે, એમ તેમણે જણાવ્યું હતું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના આંકડા અનુસાર સોનાની ખરીદી વર્ષ 2018માં 1.5 ટકા ઘટીને 760.4 ટન થઈ હતી, જે 10 વર્ષની 838 ટનની સરેરાશ કરતાં ઓછી છે.
સોનાના ભાવ ગઈકાલે પાછલા છ વર્ષની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. તેના પગલે ચાંદીમાં પણ તેજી આવી હતી.
જોકે, આજે એમસીએકસ વાયદામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂા. 324 ઘટી રૂા. 34,232 બોલાયો હતો. જયારે ચાંદી પ્રતિ કિલોએ રૂા. 188 ઘટી રૂા. 37,814ના સ્તરે બંધ આવી હતી.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer