ઘરમાંથી દીકરાએ કાઢી મૂકેલા વૃદ્ધ માતા-પિતાને ત્રણ વર્ષે મળ્યો ન્યાય

મુંબઈ, તા. 26 : પોતાના પુત્ર દ્વારા ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ એક વયસ્ક દંપતીને છેવટે તેમનું ઘર ફરી મળ્યું છે. લાંબી કાનૂની લડત દરમિયાન બ્રિજેશ સોની (71) બોરીવલી રેલવે સ્ટેશન પર રહેતા હતા, જ્યારે તેમની પત્ની ચમેલીદેવીએ (69) એક મંદિરમાં આશરો લીધો હતો.
છેલ્લાં ત્રણ વર્ષથી સોની દંપતીએ વિવિધ સરકારી અૉફિસોનો સંપર્ક સાધ્યો હતો અને છેવટે તેમને મેન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર અૉફ પેરન્ટસ ઍક્ટ, 2007 હેઠળ મદદ મળી હતી.
આ દંપતી બોરીવલી પૂર્વમાં કાર્ટર રોડ પર ભગવાનદિન કુર્મી ચાલમાં રહેતું હતું અને ઘરમાંથી જ ચાની દુકાન ચલાવતા હતા.
દંપતીને 18મી જૂને તેમનું બોરીવલીસ્થિત ઘર પાછું મળ્યું હતું જ્યાંથી તેમને અૉગસ્ટ, 2016માં કાઢી મુકાયા હતા. પોલીસે તે જ દિવસે તેમના પુત્ર પ્રદીપ અને પુત્રવધૂ ચાંદનીની ધરપકડ કરી હતી.
`મારો પુત્ર હવે મારા માટે મૃત્યુ પામ્યો છે તે આવું કરશે એમ કદી અમે ધાર્યું ન હતું.' એવી વેદના બ્રિજેશ સોનીએ વ્યક્ત કરી હતી.
મારા પુત્રે પહેલાં ઇલેક્ટ્રિસિટીનું બિલ પોતાના નામે કર્યું હતું અને ત્યાર પછી અમારી ચાની દુકાનમાંથી તે બધા પૈસા લેવા માગતો હતો, અમે જ્યારે તેનો વિરોધ કર્યો તો તેણે અવારનવાર અમને મારવાનું શરૂ કર્યું હતું. તે ઘણી વખત `ઘસડીને મને રસ્તા પર મૂકી આવતો' એમ સોનીએ જણાવ્યું હતું.
આ વૃદ્ધ દંપતીને ઘરની બહાર કાઢી મુકાયા બાદ તેમને ભારે મુસીબતોનો સામનો કરવો પડયો હતો.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer