રામ રહિમ અંગે સીએમ ખટ્ટરે કહ્યું, કેદીને પેરોલ માગવાનો અધિકાર

ખેતરની દેખભાળ માટે પેરોલની અરજી ઉપર નિર્ણય હજી બાકી

ચંડીગઢ, તા. 26 : જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહિમ સિંહના પેરોલ ઉપર હરિયાણામાં વિવાદ પૂરો થવાનું નામ લઈ રહ્યો નથી. હવે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કહેવા પ્રમાણે ગુરમીત રામ રહિમના પેરોલ ઉપર હજી સુધી કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ દરેક કેદીને એક સમય બાદ પેરોલનો અધિકાર છે. ગુરમિત રામ રહિમ સિંહે હરિયાણાના સિરસામાં ખેતરની દેખરેખ માટે 42 દિવસના પેરોલની માગણી કરી છે. રામ રહિમ બળાત્કારના મામલામાં દોષિત કરાર થયો છે અને જેલની સજા કાપી રહ્યો છે. 
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, તમામ કેદીને એક સમય બાદ પેરોલનો અધિકાર છે. કોઈપણ વ્યક્તિ પેરોલ માગી શકે છે. પેરોલ માગતા રોકી શકાય નહીં. કેદી પેરોલ જેલ અધિક્ષક પાસે માગે છે. અધિક્ષક પેરોલની અરજીને ઉપાયુક્તને મોકલે છે. જ્યાંથી એસપી પાસે અને ત્યારબાદ અરજી ઉપર નિર્ણય ડિવિઝનલ કમિશનર દ્વારા કરવામાં આવે છે. ખટ્ટરે ઉમેર્યું હતું કે, હજી સુધી રામ રહિમના પેરોલ અંગે કોઈપણ નિર્ણય કરવામાં આવ્યો નથી. સરકાર આ મામલે પ્રદેશનાં હિતને ધ્યાને રાખીને નિર્ણય કરશે. સિરસાના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે સુનરિયા જેલમાં બંધ રામ રહિમે ખેતરની દેખભાળ માટે પેરોલ માગ્યા છે જેના ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે અને રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer