સરકાર તમામ રેરાને એક પ્લેટફોર્મ હેઠળ લાવશે

શહેરી વિકાસ મંત્રાલયે શરૂ કરી તૈયારી: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લક્ષ્યાંક બે વર્ષ વહેલા પૂરા કરવા કવાયત

નવી દિલ્હી, તા. 26: ઘરની ખરીદી કરનારા લોકોની મુશ્કેલીઓમાં હવે વધુ ઘટાડો થવાની સંભાવના છે, કારણ કે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દેશભરના તમામ રેરાને એક જ આઈટી પ્લેટફોર્મ હેઠળ લાવવાની તૈયારી થઈ રહી છે. કેન્દ્રીય શહેરી વિકાસ સચિવ દુર્ગાશંકર મિશ્રના કહેવા પ્રમાણે પ્લેટફોર્મ બનાવવાનું ભંડોળ સરકાર તરફથી આપવામાં આવશે અને તેને બનાવવાની તૈયારી રેરા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે તમામ લોકોને મકાન મળવાનું સપનું નિયત સમયમર્યાદાથી બે વર્ષ અગાઉ પૂરું થવાનું છે. 
ઘર ખરીદનારા લોકોને સરળતા રહે તે માટે પહેલા આખા દેશમાં રેરાના ચાર પ્રાદેશિક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે એક પ્લેટફોર્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે. મિશ્રના કહેવા પ્રમાણે દિલ્હી રેરાની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવી હતી જેના રીપોર્ટના આધારે એક મંચ તૈયાર કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. મિશ્રએ ઉમેર્યું હતું કે, જેટલા પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની જાણકારી રેરાના એક પ્લેટફોર્મ ઉપરથી મળી રહેશે. વધુમાં રેરામાં પ્રોજેક્ટ નોંધાયેલો છે કે નહીં તેની પણ વિગત અને કયાં રાજ્યના રેરાએ કયો ફેંસલો કર્યો છે તેમજ બિલ્ડર કે પ્રમોટર્સ ઉપરની કાર્યવાહીની જાણકારી પણ મળી રહેશે. 
અત્યારસુધી લોકોને તેમને પડેલી સમસ્યા ઉપર અન્ય રાજ્યના રેગ્યુલેટર દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી છે તેની જાણકારી મળતી નહોતી. આ જાણકારી મળવાથી લોકો તેનો હવાલો આપીને રેગ્યુલેટરને રજૂઆત કરી શકશે. વધુમાં નવી સિસ્ટમથી તમામ રાજ્યના રેરાને સરળતા પણ રહેશે. વર્તમાન સમયમાં 36 રાજ્યોમાંથી 30માં રેરા લાગુ છે. પૂર્વોત્તરનાં ચાર રાજ્યોમાં રેરા બનાવવાની દિશામાં પહેલ ચાલી રહી છે. માત્ર પશ્ચિમ બંગાળમાં જ કોઈ કામગીરી કરવામાં આવી નથી. રેરા હેઠળ સરળતા ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લોકોને ઘરનાં ઘરનું સપનું બે વર્ષ પહેલા પૂરું થવાની સંભાવના છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ ંિસંહ પુરીએ યોજનાનાં ચાર વર્ષ થતા તમામ અધિકારીઓને નવો ટાર્ગેટ આપ્યો છે. જેમાં ડિસેમ્બર 2020 સુધીમાં તમામને મકાનની ફાળવણી કરવામાં આવશે. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer