છેલ્લાં ત્રણ વર્ષમાં રૂપિયા 50 કરોડથી વધુની નકલી ચલણી નોટો પકડાઈ

નવી દિલ્હી, તા. 26 :  છેલ્લાં ત્રણ વર્ષમાં વિવિધ તપાસકર્તા એજન્સીઓ દ્વારા રૂપિયા 50 કરોડથી વધુની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યું હતું. રૂપિયા પાંચ કરોડથી વધુની નકલી ચલણી નોટો આ વર્ષમાં જપ્ત કરવામાં આવી હતી.
નકલી ચલણી નોટોના સૌથી વધુ 53 કેસ પશ્ચિમ બંગાળમાં નોંધાયા હતા. ત્યારબાદ ગુજરાતમાં 42 અને ઉત્તર પ્રદેશમાં 34 કેસ નોંધાયા હતા. 2016માં રૂા. 500 અને રૂા. 1000ની નોટો બંધ કરવા માટેનું સરકારનું એક કારણ એ હતું કે તે સર્ક્યુલેશનમાં ફરતી આવી નકલી ચલણી નોટો બંધ કરવા માગે છે.
ભારતે બનાવટી ભારતીય ચલણી નોટો છાપીને તેને ભારતીય બજારમાં ઘુસાડવાનો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પર આરોપ મૂક્યો હતો.
ગૃહખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ વર્ષના 18 જૂન સુધીમાં દેશમાં રૂપિયા 2000ની 20,068 નકલી નોટો પકડી પાડવામાં આવી હતી.
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)નો વાર્ષિક ક્રાઇમ અહેવાલ હજી પ્રસિદ્ધ થવાનો બાકી છે.
આ સંબંધમાં આ વર્ષે 53,254 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 357 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારના આંકડા મુજબ રૂપિયા 500ની 13,513 નકલી નોટો, રૂપિયા 100ની 10,682 નકલી નોટો અને રૂપિયા 200ની 2233 નકલી નોટો પકડી પાડવામાં આવી હતી.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer