વર્ષ 2018-19માં ગુજરાતમાં પાનધારકોની સંખ્યા 11 ટકા વધી

પરંતુ ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલિંગ 7.5 ટકા ઘટયું 

કેન્દ્રીય નાણાપ્રધાનનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

નવી દિલ્હી, તા. 26 : ગુજરાતમાં પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) ધારકોની સંખ્યા નાણાકીય વર્ષ 2017-18માં 2,31,66,632 હતી જે નાણાકીય વર્ષ 2018-19માં 2,57,18,319 થઈ હતી, જે પાછલા વર્ષની સરખામણીએ 11 ટકાનો વધારો દર્શાવે છે. જોકે, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યા 7.5 ટકાના ઘટાડા સાથે નાણાકીય વર્ષ 2017-18માં 71,41,250 હતી. જે નાણાકીય વર્ષ 2018-19માં 66,05,231 થઈ. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ માહિતી જૂન 25,'2019ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.  
ગુજરાતમાંથી સીધા કરવેરાની આવક પાછલા નાણાકીય વર્ષ 2018-19માં 9.3 ટકા વધી હતી, એમ નાણાપ્રધાને સદનમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. ગુજરાતમાંથી સીધા કરવેરાની આવક નાણાકીય વર્ષ 2016-17માં રૂા.44,866.27 કરોડ હતી જે નાણાકીય વર્ષ 2018-19માં રૂા.49,021.69 કરોડ થઈ હતી, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું.  
નાણાપ્રધાનના નિવેદન અનુસાર, ગુજરાતમાં પાનધારકોની સંખ્યા નાણાકીય વર્ષ 2016-17માં 2,00,58,232 હતી, જે નાણાકીય વર્ષ 2017-18માં 2,31,66,632 થઈ હતી, તેની સામે ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરનારની સંખ્યા નાણાકીય વર્ષ 2016-17માં 57,61,485 થી વધીને નાણાકીય વર્ષ 2017-18માં 71,41,250 થઈ હતી.  
નથવાણી ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં નોંધાયેલા પાન ધારકો, ભરવામાં આવેલા ઇન્ક્મ ટેક્સ રિટર્ન, વસૂલવામાં આવેલા આવક વેરાની રકમ તથા હાથ ધરવામાં આવેલી સર્ચ અને સિઝરની સંખ્યા અંગે જાણવા માગતાં હતાં.  
પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં અનુક્રમે 25,291, 26,807 અને 29,085 પર્મેનન્ટ એકાઉન્ટ નંબરો ચકાસણી માટે આવરી લેવાયા હતા. આવકવેરાના અમદાવાદ વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં અનુક્રમે 79,29 અને 31 ગ્રુપ સર્ચ હાથ ધરવામાં આવી હતી, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું.  
નાણાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, આવકવેરા કાનૂન, 1961 અન્વયે સર્ચ અને સિઝર પછી તપાસ કરવામાં આવે છે જે એસેસમેન્ટમાં પરિણમે છે. કરદાતા દ્વારા આ પ્રકારના એસેસમેન્ટ સામે અપીલ કરી શકાય છે, જેને હાઇ કોર્ટ/સુપ્રીમ કોર્ટ દ્વારા અંતિમ રૂપ આપવામાં આવે છે. તપાસના પરિમાણને ત્યારે જ જાણી શકાય જ્યારે અપીલોને અંતિમ રૂપ આપવામાં આવે. જેને ધ્યાનમાં રાખતા, જ્યાં સુધી અર્ધ-ન્યાયિક અને ન્યાયિક પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્ચનું પરિમાણ જાણી શકાય નહીં, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer