રાષ્ટ્રીય રિટેલ નીતિ ઘડવાની કેન્દ્ર સરકારની તૈયારી

વેપારીઓ કહે છે બહુ લાઇસન્સ પ્રથા બંધ કરો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : દેશના છૂટક વેપારીઓ માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાની હૈયાધારણ ચૂંટણી પહેલાં ભારતીય જનતા પક્ષે આપી હતી અને હવે કેન્દ્રમાં ભાજપની સરકારે સભાનાં સૂત્રો સંભાળી લીધાં છે ત્યારે રિટેલરોએ વેપારમાં આવતાં વિઘ્નો દૂર કરવાની અપીલ સરકારને કરી છે. ખાસ કરીને રિટેલ સ્ટોર્સ ખોલવા અને ચલાવવા માટે જોઇતાં અનેક લાઇસન્સોની પ્રથા દૂર કરવા અને `ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ'ના સૂત્રને સાર્થક કરે એવી નીતિ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ અૉફ પ્રોમોશન અૉફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) દ્વારા ગત મંગળવારે દેશનાં અગ્રગણ્ય રિટેલ ઍસોસિયેશનો અને વ્યાપારી સંગઠનોની બેઠક બોલાવી હતી. રિટેલ વ્યાપાર માટે રાષ્ટ્રીય નીતિ ઘડી કાઢવા સંદર્ભમાં આ બેઠક બોલાવાઈ હતી.
આ બેઠકમાં રિટેલર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (રાઈ), કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ), સ્વદેશી જાગરણ મંચ, સીઆઈઆઈ, ફીક્કી, એસોકેમ અને પીએચડી ચેમ્બર અૉફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંબંધમાં `રાઈ'ના સીઈઓ કુમાર રાજગોપાલને જણાવ્યું હતું કે દેશભરના રિટેલ વેપારીઓનાં હિતોનું રક્ષણ થાય અને તેઓ સરળતાથી વેપાર કરી શકે એવી નીતિ સરકાર ઘડી કાઢે એવું અમે ઇચ્છીએ છીએ. પરિણામે તેમના વેપાર આડે આવતાં વિઘ્નો દૂર થઈ શકે અને તેઓ વિના હિચકિચાટ વેપાર કરી શકે.
`કેઇટ'ના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આગામી 10 દિવસમાં રાષ્ટ્રીય રિટેલ નીતિનો મુસદ્દો બહાર પાડવામાં આવે એવી ધારણા છે. રિટેલરો એવી આશા રાખી રહ્યા છે કે દેશના રિટેલ વેપારને લગતા બધા કાયદા, નિયમોની સમીક્ષા કરવામાં આવે અને તેમાંના જટીલ નિયમો રદ કરવામાં આવે.
તેમણે કહ્યું હતું કે હાલ દેશમાં વેપાર કરવા જુદાંજુદાં 28 લાઇસન્સ લેવા પડે છે તેના બદલે માત્ર એક લાઇસન્સ હોવું જોઈએ અને તેના વાર્ષિક રીન્યુઅલની પ્રથા પણ રદ કરવી જોઈએ. કારણ કે તેનાથી રિટેલરોને ભારે હેરાનગતિ થાય છે એવું જ નહીં ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળે છે.
ખંડેલવાલે એવું પણ જણાવ્યું હતું કે વેપારીઓને સરળતાથી ધિરાણ મેળવવાનો પણ મોટો પડકાર છે. આ માટે સરકારે વિશેષ જોગવાઈ કરવી જોઈએ. જેથી વેપારીઓની નાણાકીય ચિંતા દૂર થાય.
તેમણે કહ્યું હતું કે નવી રાષ્ટ્રીય રિટેલ નીતિમાં દરેક જિલ્લા સ્તરે ટ્રેડ કમિશનર અને ડિસ્ટ્રીક્ટ ટ્રેડ એડવાઇઝરી કમિટી નીમવાની જોગવાઈ હોવી જોઈએ.
સરકારે ઈ-સિસ્ટમ વ્યાપાર પદ્ધતિનો અમલ શરૂ કરી દીધો છે. પરંતુ હજી સુધી દેશના 7 કરોડ વેપારીઓમાંથી માત્ર 35 ટકા વેપારીઓ જ તેમનો વેપાર કમ્પ્યુટરાઇઝડ કરી શકયા છે. બાકીના બધા વેપારને કમ્પ્યુટરથી જોડવા ગંભીર પ્રયાસ થવા જોઈએ અને એ માટે સરકારે વેપારીઓને 50 ટકા સબસિડી આપવી જોઈએ, એમ ખંડેલવાલે જણાવ્યું હતું.
`ગ્રોફર્સ' આવી રહ્યું છે બ્રાન્ડેડ કરિયાણા ક્ષેત્રમાં
દરમિયાન હવે રિટેલ વેપારમાં `ગ્રોફર્સ' ઝંપલાવી રહ્યું છે. લગભગ ડઝન જેટલા ગ્રોસરી સ્ટોર્સને તે તેનાં બ્રાન્ડેડ આઉટલેટ તરીકે ખોલશે. આમ આ ઓનલાઇન રિટેલ કંપની હવે રિટેલ વેપારમાં આવશે.
દિલ્હી એનસીઆરમાં આવા 100 કરિયાણા સુપર માર્કેટ આઉટલેટને ગ્રોફર્સ ડિસ્કાઉન્ટ સ્ટોર્સમાં ફેરવવામાં આવ્યાં છે. આનાથી કેટલાક મહિનામાં બેંગ્લુરુમાં પણ `ગ્રોફર્સ' તેનું કરિયાણા નેટવર્ક વિકસાવશે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer