ચર્ચગેટ ખાતેની 12 જૂનની દુર્ઘટના બાદ

ચર્ચગેટ ખાતેની 12 જૂનની દુર્ઘટના બાદ
હવે ગાંધીજીનું ભીંતચિત્ર હટાવાઈ રહ્યું છે
 
મુંબઈ, તા. 26 : ગુજરાતના દરિયાકિનારે બે સપ્તાહ પહેલાં ફૂંકાયેલા `વાયુ' વાવાઝોડાની અસરથી અહીં ગત 12 જૂન બુધવારે પશ્ચિમ રેલવેના વડા મથક ચર્ચગેટની નવી ઈમારત પરના ગાંધીજીના ભીંતચિત્ર પરની એલ્યુમિનિયમની પેનલો નીચે પડતાં 63 વર્ષના એક વરિષ્ઠ નાગરિકનું મૃત્યુ નીપજ્યું હતું. હવે રેલવે સતાવાળાઓએ 81 ફૂટ લાંબા અને 54 ફૂટ પહોળા આ તોતીંગ ભીંતચિત્રને હટાવવાનું કામ શરૂ કર્યું છે. વર્ષ 2011માં ચર્ચગેટની આ ઈમારતની કાયાપલટ કરવામાં આવી ત્યારે બ્રાઝિલના વિખ્યાત કલાકાર એડુ આર્ડો કોબરાએ 18 દિવસની અંદર મહાત્મા ગાંધીનું આ ભીંતચિત્ર તૈયાર કર્યું હતું.
આ ભીંતચિત્ર જેની પર ઊભું કરાયું હતું તેની એલ્યુમિનિયમની છ પેનલ ગત 12 જૂને ભારે પવનને કારણે તૂટી પડતાં દહિસરના રહેવાસી મધુકર નાર્વેકરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે જણને સાધારણ ઈજા પહોંચી હતી.
આ સંબંધમાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે સલામતીના ઉપાય તરીકે આ ભીંત ચિત્ર હટાવી લેવામાં આવશે અને ફરી પાછું લગાડવું કે નહીં એનો નિર્ણય સ્ટ્રક્ચરલ એન્જિનિયરોના એડિટ અહેવાલ બાદ લેવામાં આવશે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer