ઈરાકમાં મળ્યા ભગવાન રામના નિશાન !

ઈરાકમાં મળ્યા ભગવાન રામના નિશાન !
ભારતીય દુતાવાસને પહાડમાં મળી આવ્યા ભીંતચિત્ર : છબીમાં રામ અને હનુમાન હોવાનો દાવો

લખનઉ, તા. 26 : ઈરાકની મુલાકાતે ગયેલા ભારતીય પ્રતિનિધીમંડળને લગભગ ઈ.સ. પૂર્વે 2000 વર્ષના ભીંતચિત્ર જોવા મળ્યા છે. જે અંગે અયોધ્યા શોધ સંસ્થાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ભીંતચિત્ર ભગવાન રામની છબી છે. ઈરાકના હોરેન શેખાન ક્ષેત્રમાં દરબંદ-ઈ-બેલુલા શીલા ઉપર મળેલા ભીંતચિત્રમાં એક રાજા જોવા મળે છે. જે ધનુષ ઉપર તીર ચડાવીને તૈયાર છે. તેની સાથે તરકશ અને કમર ઉપર પટ્ટામાં એક ખંજર કે નાની તલવાર જોવા મળી રહી છે.
છબીમાં વળેલા હાથ સાથે એક બીજી છબી પણ જોવા મળે છે. જે હનુમાનની છબી હોવાનું અયોધ્યા શોધ સંસ્થાનના નિદેશક યોગેન્દ્ર પ્રતાપ સિંહ માની રહ્યા છે. ઈરાકી વિદ્વાનોના કહેવા પ્રમાણે ભીંતચિત્રમાં પહાડી જનજાતિના પ્રમુખ ટાર્ડ્ડુની છે. અગાઉ જુન મહિનામાં જ અયોધ્યા શોધ સંસ્થાનના અનુરોધ ઉપર એક ભારતીય પ્રતિનિધીમંડળ ઈરાક ગયું હતું. જેની સાથે એબ્રિલ દુતાવાસમાં એક ભારતીય રાજદ્વારી અધિકારી,  ચંદ્રમૌલી કર્ણ, સુલેમાનિયા વિશ્વવિદ્યાલયના ઈતિહાસકાર અને કુર્દિસ્તાનના ઈકાકી ગર્વનર જોડાયા હતા. અયોધ્યા શોધ સંસ્થાનના ડાયરેક્ટર યોગન્દ્ર પ્રતાપ સિંહે દાવો કર્યો હતો કે ભગવાન રામ માત્ર વાર્તામાં નથી તેનું ઈરાકમાં મળેલા ભીંતચિત્રો પ્રત્યક્ષ પ્રમાણ છે.
 ચિત્રમાં જોવા મળતા રાજા અને વાનર રામ અને હનુમાન છે. જો કે ઈરાકમાં પુરાતત્વવિદ અને ઈતિહાસકાર ચિત્રને ભગવાન રામ સાથે જોડતા નથી.  સિંહે દાવો કર્યો હતો કે સિંધૂ ઘાટી અને મેસોપોટામિયાની સભ્યતાઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો આ પહેલો પ્રયાસ હતો. વિભિન્ન સંદર્ભનો હવાલો આપતા તેઓએ દાવો કર્યો હતો કે લોઅર મેસોપોટામિયા ઉપર 4500 અને 1900 ઈ.સ પૂર્વે સુમેરિયોનું શાસન હતું. પુરાવા છે કે સુમેરિયો ભારતના હતા અને આનુવાંશિક રૂપે સિંધૂ ઘાટી સભ્યતાથી જોડાયેલા હતા.  
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer