ઓલા-ઉબરનો સાથ છોડી રહ્યા છે ડ્રાઈવરો

ઓલા-ઉબરનો સાથ છોડી રહ્યા છે ડ્રાઈવરો
પ્રવાસીઓને 20-25 મિનિટ કૅબની રાહ જોવી પડે છે : પરિસ્થિતિ વધુ વણસે એવી શક્યતા

મુંબઈ, તા. 26 : ઓલા અને ઉબર પર આધાર રાખતા મુંબઈગરાને કૅબ માટે પહેલા ત્રણેક મિનિટ જ રાહ જોવી પડતી હતી. પરંતુ હવે કૅબ માટે વીસથી પચ્ચીસ મિનિટ રાહ જોવી પડે છે. કહેવાય છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે અને પ્રવાસીઓને કૅબ માટે વધારે રાહ જોવી પડશે. ઓલા-ઉબર સાથે જોડાયેલા ડ્રાઈવરો એક અથવા બીજા કારણથી રાઈડ લેવાની ના પાડે છે. જ્યારે કેટલાક કેસમાં ડ્રાઈવરો કાયમી પ્રવાસીઓ સાથે સાંઠગાંઠ કરે છે જેને લીધે કંપનીને નુકસાન થાય છે. આ બધાને લીધે અનિયમિત સેવા, કૅબની રાહ જોવાના સમયમાં વધારો અને વધુ ભાડાં જેવાં પરિણામો જોવા મળે છે. ગત વર્ષે ઓલા અને ઉબરે ફક્ત મુંબઈમાં જ નહીં પણ દેશભરમાં અનેક સ્ટ્રાઈક કરી હતી અને છેલ્લા બાર મહિનામાં 12,000 કરતાં વધુ ડ્રાઈવરોએ ઓલાનો સાથ છોડયો છે. 
ભાજપના ટ્રાન્સપોર્ટ સેલના જનરલ સેક્રેટરી અને ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ ફેડરેશન સાથે સંકળાયેલા કાર્તિક ઠક્કરે કહ્યું હતું કે, લગભગ 30,000 જેટલા ડ્રાઈવરોએ ઍપમાંથી લોગ આઉટ કરીને કૉલ સેન્ટરમાં સેવા આપી રહ્યા છે. આ ડ્રાઈવરો ક્યારેક રાઈડ બહુ ઓછી અને એ પણ ટ્રાફિક ન હોય તેવા સમયે જ સર્વીસ આપે છે. ઍપ પરથી થતી કમાણી એ તેમની વધારાની આવક છે. જ્યારે મુખ્ય આવક કોલ સેન્ટરમાંથી મળે છે. કોલ સેન્ટરમાં સેવા આપીને મહિને 50,000થી 60,000 રૂપિયાની સ્થિર આવક રળી લે છે, કામના કલાકો નક્કી હોય, ચોક્કસ માઈલ સુધી જ ગાડી ચલાવવાની હોય તેને કારણે ગાડીને ઘસારો પણ ઓછો પડે છે એટલે રીપેરીંગ અને મેન્ટન્સ પણ ઓછું આવે છે. તેમ જ કોલ સેન્ટરમાં વધુપડતી સેવા રાતના સમયે આપવાની રહે છે અને ત્યારે ટ્રાફિક ઓછો હોવાથી શાંતિથી ગાડી ચલાવી શકાય છે. 
ઓલા-ઉબર સાથે ધંધો કરવા માટે અનેક લોકોએ ગાડી લોન પર લીધી છે. પરંતુ કંપની પાસે પ્રવાસીની ફરિયાદ આવે એટલે તેઓ ડ્રાઈવરનું આઈડી બ્લોક કરી દે છે ત્યારે ડ્રાઈવર પાસે આવકનો કોઈ સ્રોત હોતો નથી. ઉપરથી લોનના હપ્તા ભરવાના હોવાથી ડ્રાઈવરો ઍપ્લિકેશનનો સાથ છોડીને કોલ સેન્ટર કે અન્ય સેવામાં જોડાઇ રહ્યાં હોવાની માહિતી સૂત્રોએ આપી છે. કાર્તિક ઠક્કરે વધુમાં કહ્યું હતું કે, જુલાઈ મહિનામાં 18 ટકા ડ્રાઈવરોની લોન પૂરી થાય છે. એટલે ઘણા લોકો આ સેવાનો સાથ છોડી દે તેવી શક્યતા છે. તેથી આવતા મહિને ઍપનો ઉપયોગ કરતાં ડ્રાઈવરોની સંખ્યા એકસાથે ઓછી થવાની શક્યતા છે. 
ઓલા અને ઉબરે પહેલાં જ્યારે સર્વિસ શરૂ કરી હતી ત્યારે કહ્યું હતું કે, ડ્રાઈવરો મહિને એક લાખ કરતાં વધુ રૂપિયાની કમાઈ શકશે, પણ થતું નહોતું. ત્યારબાદ `ડ્રાઈવર-પાર્ટનર' નામનો કનસેપ્ટ આવ્યો. જેમાં ડ્રાઈવરો તેમના સમય અને કલાક મુજબ કામ કરવાની છૂટ આપી હતી અને તેમને પાર્ટનર બનાવવામાં આવ્યા હતા. શરૂઆતના સમયમાં બધું બરાબર થયું પણ પછી કંપની પાસે જ્યારે વધુ ડ્રાઈવરો ભેગા થઈ ગયા એટલે ઓલા-ઉબરે ડ્રાઈવરો સાથે અયોગ્ય વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. અત્યારે ડ્રાઈવરોને અઠવાડિયાની 75થી 100 રાઈડ કરવાની હોય છે ત્યારે તેમને માંડ 1000-1500 રૂપિયાનું મહેનતાણું મળે છે. તે માટે તેમને 15થી 20 કલાક રોડ પર સક્રિય રહીને ગાડી ચલાવવી પડે છે. ઘણીવાર કંપની કારણ વગર ડ્રાઈવરોને કાઢી મૂકે છે. કંપનીના ડ્રાઈવરો સાથેના અયોગ્ય વર્તનને કારણે ડ્રાઈવરો ઓલા-ઉબરનો સાથ છોડી રહ્યા છે અને તેનું પરિણામ પ્રવાસીઓને ભોગવવું પડે છે. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer