ગોદરેજ પરિવારમાં એક હજાર એકરની જમીનના મુદ્દે પડી ગંભીર તકરાર

ગોદરેજ પરિવારમાં એક હજાર એકરની જમીનના મુદ્દે પડી ગંભીર તકરાર
અદિ ગોદરેજ અને જમશેદ ગોદરેજ વચ્ચે સુલેહ કરાવવા મોટા ઉદ્યોગતિઓ કરી રહ્યા છે પ્રયત્ન

મુંબઈ, તા. 26 : દેશના સૌથી જૂના ઉદ્યોગગૃહોમાંના એક ગોદરેજ પરિવારમાં ફાટી નીકળેલો કલહ વધ્યો હોવાના સમાચાર છે. અન્ય ઉદ્યોગગૃહોની જેમ ગોદરેજ પરિવારમાં પણ પૈસા અને સંપત્તિના જ ઝઘડા બહાર આવ્યા છે. પરિવારના મોભી જમશેદ ગોદરેજ અને અદિ ગોદરેજ વચ્ચે મુંબઈના એક મોંઘાભાવની વિશાળ જમીન વિશે વિવાદ છે. સો વર્ષ જૂના ગોદરેજ ઉદ્યોગસમૂહની વિક્રોલીમાં એક હજાર ઍકર જમીનનો વિવાદ પરિવારમાં એટલી હદે વકરી ગયો છે કે મુદ્દાને સૂલઝાવવા મોટા ઉદ્યોગપતિ-બૅન્કર-વકીલો-ની મદદ લેવામાં આવી રહી છે. 
ગોદરેજ સમૂહની અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બૉય્સનો માલિકી અધિકાર જમશેદ ગોદરેજ ધરાવે છે અને તેમણે બૅન્કર અને ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ નિમેશ કંપાણી તેમ જ કોર્પોરેટ વકીલ ઝિયા મોદીને સલાહકાર બનાવ્યા છે. અદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર ગોદરેજ કોટક મહિન્દ્રા બૅન્કના ઉદય કોટક અને કાનૂની સલાહકાર સાઇરિલ શ્રોફની મદદ લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પારિવારિક વિવાદ તો આપમેળે પણ ઉકેલી શકાય પરંતુ તેમાં વકીલો અને સલાહકારો સામેલ થતાં આ મામલો હવે પારિવારિક ન રહેતાં ઉદ્યોગ સમૂહના વિવાદમાં પલટાયો છે. 
સૂત્રોના કહેવા પ્રમાણે ગોદરેજ બૉય્સની કુલ ત્રણ હજાર ઍકર જમીન છે. પરંતુ તેના બે તૃતિયાંશ હિસ્સાનો વિવાદ ચાલે છે. આ વિવાદ ઉકેલ્યા સિવાય પ્રોપર્ટીનું વેચાણ કે વહીવટ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે.  
ગોદરેજ ગ્રુપની સ્થાપના વર્ષ 1897માં અરદેશિર ગોદરેજે કરી હતી. કંપનીનો વિસ્તાર રિયલ એસ્ટેટથી લઇને અનેક ક્ષેત્રમાં ફેલાતાં આજે ગોદરેજ ગ્રુપની મિલકત પાંચ અબજ ડૉલર સુધી પહોંચી છે. અદિ અને નાદિર ગોદરેજ પાસે ગ્રુપની ત્રણ લિસ્ટેડ કંપનીઓ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ગોદરેજ ઍગ્રોવેટની માલિકી છે. જમશેદ ગોદરેજની માલિકીની ગોદરેજ એન્ડ બૉય્સની ગોદરેજ પ્રોપર્ટીઝમાં 4.64 ટકા અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં 7.34 ટકાની ભાગીદારી છે. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer