સુરતની આયુષી ભારતીય નૌકાદળમાં પસંદગી પામી

સુરતની આયુષી ભારતીય નૌકાદળમાં પસંદગી પામી
12 લાખનું પેકેજ મેળવ્યું 

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા.26 : શહેરની યુવા પ્રતિભાઓ વિવિધ ક્ષેત્રમાં રાજય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત દાખવીને શહેરનું નામ રોશન કરી રહી છે. દેશની પ્રતિષ્ઠિત ભારતીય નૌસાનામાં હવે ગુજરાતની નારી શક્તિનો પ્રવેશ થઇ ચૂકયો છે. સુરતની આયુષી દેસાઇએ ભારતીય નૌસેનામાં પસંદગી પામી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સર્વિસ સિલેકશન બોર્ડની અત્યંત કઠિન પ્રવેશ પરીક્ષા પાસ કરીને આયુષી નૌસેનામાં હવે સબ લેફટનેન્ટ તરીકે ફરજ બજાવશે. તાજેતરમાં વડોદરામાં એક સમારંભમાં તેને સર્ટિર્ફિકેટ એનાયત થયું હતું. 
આયુષીએ સુરતની ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કર્યો છે. આયુષી સાથે સુરતના હિરેન જોશી પણ નેવીમાં પસંદગી પામ્યા છે. આયુષીને નેવીમાં વાર્ષિક રૂા. 12 લાખનું પેકેજ ઓફર કરાયું છે. સુરતનાં બન્ને વિદ્યાર્થીઓએ નેવીની સર્વિસ સિલેકશન બોર્ડની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. અનુક્રમે બન્નેની નૌસેનામાં સબ લેફટનન્ટ અને નેવલ આર્કિટેક્ચરની પોસ્ટ પર પસંદગી કરવામાં આવી છે. આ બન્ને વિદ્યાર્થીઓ જુલાઇ 19માં નૌસેનામાં તાલીમ લેવા માટે જશે.
આયુષી જિમ્નાસ્ટીકમાં જાણીતી ખેલાડી છે. છેલ્લાં 15 વર્ષમાં તે 35થી વધુ સ્પર્ધાઓમાં પદક વિજેતા બની હતી. જેમાં નેશનલ મેડલ પણ સામેલ છે. તે માટેની તાલીમ તેમણે સ્વાંસી કલબમાં લીધી હતી. ગુજરાતના ખૂબ ઓછા યુવાનો સેનામાં જોડાવા તૈયાર થાય છે. તેમાં પણ યુવતીઓની હાજરી પાંખી છે. આયુષીની અનોખી સિદ્ધિ બાદ રાજ્યની અનેક યુવતીઓ સેનામાં જોડાવા માટે તૈયારી દાખવશે તેવી આશા સેવાઇ રહી છે. 
નૌસેનામાં પ્રવેશ મેળવનાર આયુષી દેવાંગ દેસાઇ ગુજરાતના ત્રી સશકતીકરણનું ઉદાહરણ બની રહેશે. આયુષીનાં માતા-પિતા જીજ્ઞાબેન અને દેવાંગ એચ. દેસાઇ ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા  છે. તેઓ આ પ્રકારના અજાણ્યા ક્ષેત્રોમાં સુરત-ગુજરાતી યુવાનો દાખલ થાય તે માટે કાર્યરત છે. 
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer