યુનો સુરક્ષા પરિષદમાં બે વર્ષના અસ્થાયી સભ્યપદ માટે ભારતને 55 દેશનો ટેકો

યુનો સુરક્ષા પરિષદમાં બે વર્ષના અસ્થાયી સભ્યપદ માટે ભારતને 55 દેશનો ટેકો
વૈશ્વિક મંચ પર ભારતનો કૂટનીતિક વિજય

નવી દિલ્હી, તા. 26 : એશિયા પ્રશાંત સમૂહે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં બે વર્ષની અસ્થાયી સદસ્યતા માટે સર્વસંમતિથી ભારતની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. એશિયા પ્રશાંત સમૂહની સહમતી ભારત માટે મહત્વપૂર્ણ કૂટનીતિક જીત સમાન છે અને વૈશ્વિક મંચ ઉપર ભારતની શાખમાં વૃદ્ધિ બતાવે છે. યુએનએસસીમાં 2021-22ના કાર્યકાળ માટે પાંચ અસ્થાયી સભ્યની ચૂંટણી જુન-2020 આસપાસ થવાની છે. ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2021થી શરૂ થશે.  અસ્થાયી કાર્યકાળ માટે ભારતને કુલ 55 દેશ દ્વારા સમર્થન મળ્યું છે. જેમાં પાકિસ્તાન, ચીન, બંગલાદેશ વગેરે સામેલ છે. 
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે એશિયા પ્રશાંત સમૂહે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 202122ના બે વર્ષના અસ્થાયી કાર્યકાળ માટે ભારતની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. વધુમાં સમર્થન વ્યક્ત કરનારા તમામ 55 દેશનો આભાર પણ માનવામાં આવ્યો હતો. ભારતની ઉમેદવારીને સમર્થન આપનારા 55 દેશોમાં અફઘાનિસ્તાત, બંગલાદેશ, ભુતાન, ચીન, ઈન્ડોનેશિયા, ઈરાન, જાપાન, કુવૈત, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, મ્યાંમાર, નેપાળ, પાકિસ્તાન, કતર, સાઉદી અરબ, શ્રીલંકા, સીરિયા, તુર્કી, યુએઈ અને વિયેતનામ સામેલ છે. 
દર વર્ષે 193 સભ્યની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ બે વર્ષના કાર્યકાળ માટે પાંચ અસ્થાયી સભ્યની ચૂંટણી કરે છે. યુએનએસસીના પાંચ સ્થાયી સભ્ય ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા છે. યુએઁનએસસીની 10 અસ્થાયી બેઠકની વહેંચણી ક્ષેત્રીય આધારે કરવામાં આવી છે. જેમાં આફ્રિકા અને એશિયાના ભાગમાં પાંચ, પૂર્વી યૂરોપને એક, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોને બે અને પશ્ચિમ યૂરોપના ભાગમા બે બેઠક છે. આ અગાઉ ભારત 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12માં યુએનએસસીનું અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer