રશિયા સાથે રક્ષા સંબંધ મુદ્દે ભારત ઝૂકશે નહીં !

રશિયા સાથે રક્ષા સંબંધ મુદ્દે ભારત ઝૂકશે નહીં !
પોમ્પિયો અને જયશંકર વચ્ચેની બેઠકમાં એસ-400 સોદા અંગે ભારતે વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હી, તા. 26 : અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોની મુલાકાત દરમિયાન ભારત રશિયા સાથેના એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટેના સોદા અંગે સ્પષ્ટ વલણ રજૂ કરી શકે છે. જેને લઈને પોમ્પિયો સાથેની બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારતના વલણને મજબૂતિથી રજૂ કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.વધુમાં જી20 બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત માટેની રૂપરેખા તૈયાર થઈ હોવાની સંભાવના છે. ભારત અને રશિયા વચ્ચે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના સોદાને લઈને અગાઉ  અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વાંધો ઉઠાવી ચૂક્યા છે. 
પોમ્પિયો સાથેની બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, બન્ને દેશોની રણનીતિક ભાગીદારી ગાઢ અને વ્યાપક સમન્વય ઉપર આધારિત છે. જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદ મામલે ટ્રમ્પ પ્રશાસનના મજબુત સમર્થનને લઈને પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી. વધુમાં ઉર્જા, વ્યાપાર સંબંધિત મુદ્દા,  લોકોનો લોકો સાથે સંપર્ક, અફઘાનિસ્તાન, ખાડી અને ભારત-પ્રશાંત ક્ષેત્ર સહિતના મુદ્દે વાતચીત થઈ હતી. આ દરમિયાન માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકાની ભાગીદારી નવી ઉંચાઈ સુધી પહોંચી રહી છે. 
અમેરિકા દ્વારા ભારતને જીએસપીનો દરજ્જો સમાપ્ત કર્યા બાદ પોમ્પિયો ભારતની મુલાકાતે છે. અમેરિકાનો આ નિર્ણય ભારત ઉપર દબાણ લાવવા માટેનો છે. કહેવાઇ રહ્યું છે કે, દબાણ બનાવી અમેરિકા ભારતમાં ઈમ્પોર્ટમાં રાહત મેળવવા માગે છે. વધુમાં રશિયા સાથેના એસ-400 મિસાઈલ સિસ્ટમના સોદા અંગે પણ વલણ સ્પષ્ટ કરવામાં આવશે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer