ઘમંડની પણ હદ હોય છે

ઘમંડની પણ હદ હોય છે
વડા પ્રધાનના સતત બીજા દિવસે કૉંગ્રેસ પર પ્રહારો

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત બીજા દિવસે વોટિંગ મશીન, આસામના સિટિજન્સ બિલ અને રાજ્યસભામાં ખરડા પસાર કરવાના વિવિધ મુદ્દે કૉંગ્રેસને આડે હાથ લીધી હતી. પક્ષપ્રમુખપદેથી રાહુલ ગાંધીના રાજીનામાને કારણે કૉંગ્રેસમાં ઊભી થયેલી કટોકટી વચ્ચે વડા પ્રધાને વિજય અને પરાજય સંદર્ભે કૉંગ્રેસની ઠેકડી ઉડાવી હતી.
`કૉંગ્રેસ ન તો તેના વિજય સાથે કામ પાર પાડી શકે છે કે ન તો તેના પરાજયને સ્વીકારી શકે છે. આમાંથી તેણે બોધપાઠ લેવાની જરૂર છે.' એમ વડા પ્રધાને રાજ્યસભામાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કૉંગ્રેસે પરાજયનો સ્વીકાર ગૌરવપૂર્ણ રીતે નથી કર્યો પરંતુ દેશમાં વિકાસનાં તમામ સ્વરૂપોનો વિરોધ કર્યો છે.' `ઘમંડની પણ કોઈ મર્યાદા હોય છે. કૉંગ્રેસ હારે છે ત્યારે કહે છે કે ચૂંટણી હારી ગયા. તેમણે 17 રાજ્યોમાં એક પણ બેઠક જીતી નથી અને તેઓ મતદારોની બુદ્ધિ સામે સવાલ કરે છે.' એમ વડા પ્રધાને રાજ્યસભામાં જણાવ્યું હતું.
ત્યારબાદ વડા પ્રધાને ચોક્કસ મુદ્દાઓ પર પ્રકાશ પાડયો હતો. `તમે (કૉંગ્રેસ) ત્રણ મોટાં રાજ્યોમાં ચૂંટણીઓ જીતી હતી પરંતુ આ રાજ્યોમાંથી આવતા અહેવાલોને જુઓ. લોકસભાની ચૂંટણી બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના આંતરિક જૂથવાદના અહેવાલો મળી રહ્યા છે. કૉંગ્રેસે બીજા પર દોષારોપણ કરવાને બદલે આત્મચિંતન કરવું જોઈએ અને `લોકતંત્રનો પરાજય થયો છે' એવો દાવો કરવો ન જોઈએ.
આવાં નિવેદનોને `હતાશાજનક' અને `શરમજનક' ગણાવતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે મને કહો, શું વાયનાડમાં ભારતની હાર થઈ છે? શું રાયબરેલીમાં ભારતનો પરાજય થયો છે? તેઓ શું કહેવા માગે છે? શું કૉંગ્રેસની હાર એટલે ભારતની હાર? શું ભારત કૉંગ્રેસ છે અને કૉંગ્રેસ ભારત છે? ઘમંડની પણ એક હદ હોય છે.'
વોટિંગ મશીન સામે સવાલ ઉઠાવવા બદલ પણ કૉંગ્રેસ પર વડા પ્રધાને પ્રહાર કર્યા હતા. `એક સમય એવો હતો જ્યારે અમે સંસદમાં માત્ર બે બેઠકો ધરાવતા હતા ત્યારે પણ અમે ગૃહમાં આનંદ કરતા હતા અને પરિણામનો સ્વીકાર કરી લીધો હતો. અમે ગ્લાનિના એ દિવસોમાંથી બહાર આવીને પુન:ઘડતર કર્યું છે' એમ વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer