તળાવોના ઇમરજન્સી ક્વૉટામાંથી મુંબઈને મળે છે પાણી

તળાવોના ઇમરજન્સી ક્વૉટામાંથી મુંબઈને મળે છે પાણી
મુંબઈ, તા. 27 : જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં હજી વરસાદનો પત્તો નથી. બીજી તરફ તળાવોમાં પાણીનો જથ્થો ઝપાટાભેર ઘટવાથી મુંબઈગરાની પાણીની ચિંતા વધવા લાગી છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા તળાવોમાં ફક્ત 20 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે તેથી ભાતસા અને અપ્પર વૈતરણા આ રાજ્ય સરકારના તળાવોમાંથી મુંબઈ માટે દરરોજ 2500 મિલિયન લિટર પાણીના જથ્થાનો વપરાશ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં પાલિકાએ લોકોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની અપીલ કરી છે.
મુંબઈને પાણીપુરવઠો કરતા તળાવોમાં ગયા વર્ષે સંતોષકારક વરસાદ પડયો ન હતો, પરિણામે પાલિકાએ 15 નવેમ્બર, 2018થી મુંબઈમાં 10 ટકા પાણીકાપ લાગુ ર્ક્યો છે. દર વર્ષે જૂનના બીજા અઠવાડિયા સુધીમાં વરસાદ આવે છે તેથી પાણીની ખાસ સમસ્યા રહેતી નથી, પરંતુ આ વર્ષે જૂનના છેલ્લા સપ્તાહ સુધી વરસાદનું આગમન નહીં થતાં પાલિકા ચિંતામાં પડી છે.
મુંબઈને સાત તળાવોમાંથી પાણીપુરવઠો કરાય છે, જેમાં મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, તુલસી અને વિહાર- આ તળાવોમાં કેવળ 73000 મિલિયન લિટર પાણીનો જથ્થો સિલ્લક છે. તેથી છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સરકારની માલિકીની ભાતસા અને અપ્પર વૈતરણા તળાવમાંથી રિઝર્વ જથ્થાનું પાણી પાલિકાને લેવું પડે છે. પાલિકાના પાંચ તળાવોમાં રહેલો પાણીનો જથ્થો જુલાઈ સુધી ચાલે તેટલો છે.
આ પાર્શ્વભૂમિ પર પાલિકાએ રાજ્ય સરકાર પાસે ભાતસા અને અપ્પર વૈતરણા તળાવમાંના પાણીનો જથ્થો વાપરવાની મંજૂરી માગી હતી.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer