અંબાતી રાયડુ અંગે કોઈ પક્ષપાત નથી થયો પસંદગી સમિતિ

મુંબઈ, તા. 21 : વિશ્વકપમાં અંબાતી રાયડૂની પસંદગી અંગે વિવાદ બાદ પસંદગી સમિતિના અધ્યક્ષ પ્રસાદે સમિતિનો બચાવ કરતા કહ્યું હતું કે, રાયડૂની પસંદગીને લઈને  પેનલને પક્ષપાતી ન ગણી શકાય. પ્રસાદે કહ્યું હતું કે, રાયડૂ જેવી ભાવનાઓથી પસાર થઈ રહ્યો હતો તેવી જ ભાવના પસંદગી સમિતિએ પણ અનુભવી હતી. જ્યારે કોઈ ખેલાડીની પસંદગી ન થઈ શકે ત્યારે સમિતિને પણ ખોટું લાગે છે. પરંતુ વિશ્વકપના ખેલાડી મામલે જે કોઈ નિર્ણય થયો તેમાં પક્ષપાત નહોતો. તેમજ વિજય શંકર, ઋષભ પંત કે મયંક અગ્રવાલની પસંદગીમાં કોઈ પૂર્વગ્રહ નહોતો.  પ્રસાદે યાદ અપાવ્યું હતું કે, રાયડૂ ટી20ના પ્રદર્શનના આધારે પસંદ થયો અને ફિટનેસમાં નાકામ રહ્યો તો સમિતિએ તેનો પક્ષ લીધો હતો. જો કે વનડેમાં પસંદગી અંગે ટીકા પણ થઈ હતી.
પ્રસાદે રાયડૂના સ્થાને અન્ય બેટ્સમેનની પસંદગી અંગે પણ જવાબ આપ્યો હતો અને ટીમ રણનીતિના ભાગરૂપે જ ઋષભ પંત પસંદ થયો હોવાનું કહ્યું હતું.  કેએલ રાહુલના કવર તરીકે મયંક અગ્રવાલ પસંદ થયો કારણ કે ટીમ પ્રબંધને ઓપનિંગ બેટ્સમેન મોકલવા કહ્યું હતું. 

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer