5851 કરોડનાં ચૂંટણી બોન્ડ વેચાયાં

માર્ચ-2018થી મે-2019 સુધીની બહાર આવેલી વિગતો : 80.6 ટકા બોન્ડ દિલ્હીમાં વટાવાયાં

ઈન્દોર, તા.21 : રાજકીય દળોને ફાળો આપવા માટે માર્ચ 2018થી મે 2019સુધી કુલ 5,851.41 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદાયા હતા. આ ખુલાસો માહિતીના અધિકાર (આરટીઆઈ) હેઠળ પૂછાયેલા એક સવાલના જવાબમાં થયો હતો. ધ્યાન ખેંચનારી વાત એ છે કે આમાંથી 80.6 ટકા બોન્ડ માત્ર દિલ્હીમાં વટાવવામાં આવ્યા હતા જ્યાં મુખ્ય રાજકીય દળોના રાષ્ટ્રીય કાર્યાલય આવેલાં છે.
મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે બે અલગ-અલગ અરજીઓ પર માહિતીના અધિકાર હેઠળ ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) પાસેથી મળેલા આંકડા જાહેર કર્યા હતા. આ જાણકારી ચૂંટણી બોન્ડના વેચાણ અને તેને વટાવવા અંગેના આરંભિક 10 ચરણો પર આધારિત છે.
ગૌડે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં કુલ 874.50 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચાયા હતા જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં આ રકમની તુલનાએ પાંચ ગણાથી પણ વધુ 4715.58 કરોડ રૂપિયાના બોન્ડ વટાવવામાં આવ્યા હતા. મુંબઈમાં 1782.36 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી માત્ર 7 ટકા એટલે કે 121.13 કરોડ રૂપિયાના બોન્ડ વટાવવામાં આવ્યા હતા. એ જ રીતે કોલકાતામાં આશરે 1389 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડના વેચાણ થયાં અને ત્યાં 167.50 કરોડ રૂપિયાના બોન્ડ (12 ટકા) વટાવવામાં આવ્યા હતા. બેંગ્લોરમાં આશરે 195 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી માત્ર 1 ટકો એટલે કે આશરે 1.5 કરોડ રૂપિયાના બોન્ડ વટાવવામાં આવ્યા હતા.
હૈદરાબાદમાં 806.12 કરોડ રૂપિયાના બોન્ડ વેચાયા અને 512.30 કરોડ રૂપિયાના બોન્ડ વટાવવામાં આવ્યા હતા. ભુવનેશ્વરમાં 315.76 કરોડ રૂા.ના ચૂંટણી બોન્ડ વેચાયા અને 226.50 કરોડ રૂપિયાના બોન્ડ વટાવવામાં આવ્યા હતા. ચેન્નાઈમાં 184.20 કરોડ રૂા.ના ચૂંટણી બોન્ડના વેચાણ સામે 51.55 કરોડ રૂા.ના બોન્ડ વટાવવામાં આવ્યા હતા. કુલ 10 ચરણમાં વિભાજિત આ અવધિ દરમ્યાન 5831.16 કરોડ રૂપિયાના બોન્ડ વટાવવામાં આવ્યા હતા. તેનો અર્થ એ થયો કે 20.25 કરોડના શેષ બોન્ડ નિર્ધારિત સમય-સીમામાં વટાવાયા નહીં. ગાંધીનગર, ગૌહાટી, જયપુર, રાયપુર, પણજી, તિરુવનંતપુરમ અને વિશાખાપટ્ટનમમાં કુલ 279.70 કરોડના ચૂંટણીબોન્ડ વેચાયા પરંતુ આ સાતે શહેરમાં એક પણ બોન્ડ વટાવવામાં આવ્યા ન હતા.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer