દોઢ વર્ષમાં મોનોરેલમાં ઉમેરાશે 10 નવી ટ્રેનો

ફ્રિકવન્સી 22 મિનિટની ઘટીને 6 મિનિટની થશે

મુંબઈ, તા. 21 : મોનોરેલના કાફલામાં વધુ 10 નવી ટ્રેનો ઉમેરવા માટે એમએમઆરડીએ દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યાં છે. આમ છતાં બધી પ્રક્રિયામાં દોઢેક વર્ષ જેટલો સમય લાગી જવાની શક્યતા છે. મતલબ કે આ ટ્રેનો આવ્યા બાદ દોઢ વર્ષમાં મોનોરેલ સેવા સંપૂર્ણ ક્ષમતાથી દોડાવી શકાશે.
10 નવી મોનોરેલવે આવતાં બે ટ્રેનો વચ્ચેના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાલ પરિસ્થિતિ એવી છે કે એક ટ્રેન ગયા બાદ સરેરાશ 22 મિનિટે બીજી ટ્રેન આવે છે. આથી પ્રવાસીઓને લાંબી પ્રતીક્ષા કરવી પડે છે અને તેઓ પરિવહનનાં અન્ય સાધનો પર નજર દોડાવે છે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો નથી.
ચેમ્બુરથી સાત રસ્તાનો રૂટ અતિવ્યસ્ત હોવા છતાં ટ્રેનોની ફ્રિકવન્સી વધી નથી. પરિણામે રોજ આ પટ્ટામાં પ્રવાસ કરતાં હજારો પ્રવાસીઓ મોનોરેલ તરફ વળતા નથી.
જોકે, મોનોરેલ સેવા પૂર્ણ ક્ષમતાથી દોડાવવા એમએમઆરડીએ સતત પ્રયત્નશીલ છે.
હાલ મોનો પાસે સાત ટ્રેનો છે. 10 નવી આવતાં કુલ 17 ટ્રેનો થશે. અને એ બાદ બે ટ્રેનો વચ્ચેનું અંતર 22 મિનિટથી ઘટીને માત્ર 6 મિનિટનું થઈ જવાની અપેક્ષા છે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer